સુરત, 7 જુલાઇ…
ટૂંકા રસ્તે રૂપિયા કમાવવાના ચક્કરમાં મૂડી પણ ગુમાવી દેનારાઓનો ટોટો નથી. આવા વ્યક્તિઓને છેતરી પોતાની તિજોરી ભરનારા ચીટરો પણ પેંધા પડ્યા છે. શેરબજારમાં રોકાણ કરી ટૂંક સમયમાં ઉંચું વળતર કહો કે નફો અપાવવાની લાલાચમાં સપડાવી રુપિયા ખંખેરતી આવી જ એક ટોળકીને સુરત પોલીસની સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર સુરતના એક યુવકને જુલાઈ 2021 દરમિયાન એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. કોલરે જણાવ્યું હતું કે, તે ધ માર્કેટ જનરલ કંપની માંથી બોલે છે અને તેઓની કંપની શેર માર્કેટમાં કઈ રીતે રોકાણ કરવું તે બાબતેની ટિપ્સ આપે છે. તેમની કંપની દ્વારા આપવામાં આવેલી ટિપ્સના આધારે જો રોકાણ કરવામાં આવે તો તેમને ખૂબ મોટો ફાયદો ટૂંકા સમયમાં થાય તેવું જણાવ્યું હતું.
ટૂંક સમયમાં ઉંચો નફો મળશે એવી લાલચ આપનાર કોલરની વાતોમાં આવી જઈને સુરતના યુવકે આ વ્યક્તિએ જણાવેલ એકાઉન્ટમાં સર્વિસ ચાર્જ અને જીએસટી ચાર્જના નામે પૈસા જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ યુવકને એવું જણાવાયું હતું કે, તેમનું શેર માર્કેટનું એકાઉન્ટ એએબી એસોસીએટ કંપની હેન્ડલ કરશે અને તેમાંથી તમને ફોન આવશે. આ યુવકને જણાવેલ કંપની માંથી ત્યારબાદ યુવા પર ફોન આવ્યો હતો અને તેમણે પણ એકાઉન્ટ હેન્ડલ કરવાના ચાર્જીસના નામે રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પ્રકારની ગતિવિધિ લગભગ છ મહિના સુધી ચાલી હતી ડિસેમ્બર 2021માં આ યુવકને ખ્યાલ આવ્યો હતો કે, તેણે રોકેલા પૈસાનો કોઈ ફાયદો તેને દેખાઈ નથી રહ્યો ત્યાં સુધીમાં આ યુવક પાસેથી ઠગ ટોળકી એ લગભગ 16 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
પોતે છેતરાયા હોવાની જાણ થતા જ સુરતના યુવકે સુરત સાયબર સેલ નો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાને ગંભીરતાથી લઈને આ યુવકને ફોન કરનાર વ્યક્તિઓના ફોન તેમજ જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે એકાઉન્ટ અને google પે નંબર દ્વારા ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર સેલ ને સફળતા મળી હતી અને તેમાં ઈન્દોર ખાતે રહેતા ત્રણ યુવકોના નામ ખુલ્યા હતા. જેમાં રાહુલ, લોકેન્દ્ર અને જીતેન આ ત્રણ યુવકો આ પ્રકારે કોલ કરીને લોકો સાથે અલગ અલગ સર્વિસ ચાર્જના નામે પૈસાની ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું હતું.
સુરત સાયબર સેલની ટીમે ઇન્દોર જઈને આ ત્રણેય યુવકોની અટકાયત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાહુલ જે મુખ્ય માસ્ટર માઈન્ડ હતો તે લોન કન્સલ્ટનનો ધંધો કરતો હતો. તેમ જ અન્ય યુવક લોકેન્દ્ર મજૂરી કામ કરતો હતો અને જીતેન નોકરી કરતો હતો. આ ત્રણેય યુવકોની અટકાયત કર્યા બાદ સુરત સાયબર સેલ દ્વારા ત્રણેયને ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યા હતા.
ત્રણેય યુવકોની ધરપકડ બાદ સુરત સાયબર સેલ દ્વારા હાલ તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ત્રણેય દ્વારા અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે. તેમજ કુલ કેટલા રૂપિયાની ઉઘરાણી આ ત્રણેય ઈસમો દ્વારા કરવામાં આવી છે. તે દિશામાં હાલ સુરત સાઇબર સેલ તપાસ કરી રહી છે અને શક્યતા જોવાઈ રહી છે. કે આ ત્રણેય દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી નો આંકડો હજુ મોટો થઈ શકે છે.