સુરત : 16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની સૅન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે દોષિત માની વ આજીવન કેદની સજા ફટકારી છે.
વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સામે તેના આશ્રમમાં સેવિકા તરીકે રહેતી સુરતની બે બહેનોએ દુષ્કર્મ, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અકુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ કરી હતી. સુરત પોલીસ દ્વારા એ ઝીરો ફરિયાદ નોંધીને આ ગુનો આસારામના અમદાવાદમાં મોટેરા ખાતેના આશ્રમમાં બન્યો હોવાથી ફરિયાદ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનને તબદીલ કરવામાં આવી હતી.

સોમવારે ગાંધીનગર સેસન્શ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ડીકે સોનીએ આસારામને આ કેસમાં દોષી માન્યા છે, અમને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આસારામના પત્ની અને પુત્રી સહિત કુલ છ સહઆરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં. ચમત્કારી સાધુથી બળાત્કારી બાબા બનવા સુધીની આસુમલ ઉર્ફે આસારામની સફર ફિલ્મી કહાનીથી કમ નથી.
ઑગસ્ટ-2013 પહેલાં જો કોઈ વ્યક્તિ અમદાવાદનના રેલવેસ્ટેશન ઉપર ઊતરે અને ‘બાપુના આશ્રમે’ જવું છે’ એમ કહે, તો રિક્ષાવાળા તેમને મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમને બદલે મોટેરા ખાતેના આસારામ ‘બાપુ’ના આશ્રમે લઈ જતા હતાં. આવી હતી ધાર્મિક પ્રવચનો અને સત્સંગથી સમગ્ર ભારતમાં પોતાના અનુયાયીઓ અને આશ્રમોનું મોટું નૅટવર્ક ઊભું કરનારા આસારામની લોકપ્રિયતા.

આસારામનું સાચું નામ આસુમલ હરપલાણી છે. તેમનો જન્મ અવિભાજીત ભારતના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં (હાલ પાકિસ્તાનમાં) આવેલાં નવાબશાહ જિલ્લાના બેરાની ગામમાં એપ્રિલ 1941માં થયો હતો. સિંધી વેપારી સમાજના આસારામનો પરિવાર 1947ના ભાગલા પછી નિરાશ્રિત બનીને ભારત આવ્યો હતો અને અમદાવાદમાં આવીને વસ્યો હતો. એ સમયે રૅફ્યૂજી માટેના વિસ્તાર મણિનગરમાં રહેતા, જ્યાં તેમના નામે સાથે અનેક કહાણીઓ સાંભળવા મળે છે.
1960ના દાયકામાં તેણે લીલાશાહને ગુરુ બનાવ્યા હતા. દીક્ષા બાદ આબુની ગુફાઓમાં સાધના કરવા બેસતો. 1972માં અમદાવાદથી તે વખતે દસેક કિમી દૂર આવેલા મોટેરા ગામ પાસે સાબરમતી નદીના કિનારે આસારામે પોતાની નાનકડી ઝૂંપડી બાંધી હતી. આગળ જતાં તેણે અહીં જ આશ્રમ સ્થાપ્યો અને તેને મુખ્યમથક બનાવ્યું, જે લગભગ 10 એકરમાં ફેલાયેલો હતો. આ માટે પણ તેણે આજુબાજુની જમીનો ઉપર પેશકદમી કરી હોવાના આરોપ લાગ્યા હતા.

આસારામના ભક્તોની સંખ્યા ધીમે-ધીમે વધવા લાગી અને ગુજરાતનાં કેટલાંય શહેરો તથા દેશનાં જુદાં-જુદાં રાજ્યમાં પણ તેમના આશ્રમો ખુલવા લાગ્યા. શરૂઆતમાં ગુજરાતનાં ગામડાંમાંથી આવતી ગરીબ, પછાત અને આદિવાસી પ્રજાને આસારામે પોતાના ‘પ્રવચનો, દેશી દવાઓ અને ભજન-કિર્તન’ના ત્રેખડથી આકર્ષી હતી. બાદમાં ધીમે ધીમે ગુજરાતના શહેરી વિસ્તારોના મધ્યમવર્ગમાં પણ તેનો પ્રભાવ વધવા લાગ્યો.
શરૂઆતનાં વર્ષોમાં આસારામના પ્રવચનો બાદ પ્રસાદના નામે મફત ભોજન અપાતું હતું. તેના કારણે ‘ભક્તો’ની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો. આસારામના સમર્થકોનો દાવો છે કે દુનિયાભરમાં તેના ચાર કરોડ અનુયાયીઓ છે, જોકે જાણકારો તેને ‘અતિશયોક્તિ ભરેલો’ જણાવે છે. ત્રણેક દાયકામાં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ સાથે મળીને દેશ અને વિદેશમાં 400થી વધુ આશ્રમ, 50 ગુરૂકૂળ, એક હજાર 400 સમિતિ અને 17 હજાર બાળ સંસ્કાર કેન્દ્રનું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. આસારામની સત્તાવાર વેબસાઇટમાં દાવો કરાય છે કે આજે પણ દુનિયાભરમાં તેના 4 કરોડ અનુયાયીઓ છે.

આસારામના આશ્રમોની અને અનુયાયીઓની સંખ્યા વધવા સાથે તેની સંપત્તિ પણ વધવા લાગી હતી. પડતી સમયે તેમની પાસે લગભગ 10 હજાર કરોડની સંપત્તિ હોવાનું કહેવાતું હતું. કેન્દ્રના આવકવેરા વિભાગ અને ગુજરાતના વિવિધ વિભાગો તથા ઈડી (એન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ) દ્વારા આસારામે એકઠી કરેલી સંપત્તિની તપાસ ચાલી રહી છે. તપાસ સંસ્થાઓ ગેરકાયદે રીતે જમીન પચાવી પાડીને બનાવેલા આશ્રમોની પણ તપાસ કરી રહી છે.

ભક્તોની સંખ્યા વધવા લાગી તે સાથે રાજકારણીઓ સાથે પણ આસારામનો ઘરોબો વધવા લાગ્યો. નેતાઓને લાગ્યું કે આસારામ પાસે મોટી વૉટબેન્ક છે. 1990થી 2000ના દાયકામાં તેમના ભક્તોની યાદીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, ઉમા ભારતી, રમણ સિંહ, પ્રેમકુમાર ધૂમલ અને વસુંધરા રાજે, જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થવા લાગ્યો હતો. દિગ્વિજય સિંહ, કમલ નાથ અને મોતીલાલ વોરા જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓનો સમાવેશ પણ તેમાં થતો હતો

જોકે 2008માં આસારામના મોટેરા આશ્રમમાં ભણતાં બે બાળકોની હત્યા થઈ તે પછી જાગેલા વિવાદના કારણે રાજકીય નેતાઓ તેમનાથી દૂર થવા લાગ્યા હતા. 5 જુલાઈ 2008ના રોજ મોટેરા આશ્રમની પાછળ સાબરમતી નદીના ખુલ્લા તટમાં 10 વર્ષના અભિષેક વાઘેલા અને 11 વર્ષના દીપેશ વાઘેલાના અડધા બળેલા અને વિકૃત્ત થઈ ગયેલા મૃતદેહો મળ્યા હતા.
અમદાવાદમાં જ રહેતા વાઘેલા પરિવારના આ પિતરાઈ ભાઈઓને થોડા દિવસ પહેલાં જ આસારામના આશ્રમમાં ચાલતા ગુરુકુળમાં દાખલ કરાયા હતા. આ મામલામાં ભારે ઉહાપોહ પછી ગુજરાત સરકારે બાળકોની હત્યાના મામલાની તપાસ માટે ડી. કે. ત્રિવેદી પંચ બેસાડ્યું હતું. જોકે આજ સુધી પંચનો અહેવાલ જાહેર કરાયો નથી. દરમિયાન 2012માં ગુજરાત પોલીસે હત્યાના આ કેસમાં આશ્રમના સાત માણસો પર કેસ દાખલ કર્યો હતો.

ઑગસ્ટ 2013માં આસારામ સામે જોધપુરમાં બળાત્કારનો કેસ દાખલ થયો. શાહજહાંપુરમાં રહેતો પીડિતાનો પરિવાર આસારામનો કટ્ટર ભક્ત હતો. પીડિતાના પિતાએ પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામ આશ્રમ બનાવ્યો હતો. બાપુમાં શ્રદ્ધા રાખનાર આ પરિવારે પોતાનાં બંને સંતાનોને ‘સંસ્કારી શિક્ષણ’ મળે તે માટે છિંદવાડામાં આવેલા આસારામનાં ગુરુકુળમાં ભણવા બેસાડ્યાં હતાં.
7 ઑગસ્ટ 2013ના રોજ પીડિતાના પિતા પર છિંદવાડા ગુરુકુળમાંથી ફોન આવ્યો હતો. ફોન પર તેમને જણાવાયું કે તેમની 16 વર્ષની દીકરી બીમાર છે. બીજા દિવસે પીડિતાનાં માતાપિતા છિંદવાડા ગુરુકુળ પહોંચ્યાં ત્યારે તેમને એવું કહેવાયું કે તમારી દીકરીને વળગાડ થયો છે. આસારામ જ તેનો વળગાડ દૂર કરી શકે છે. 14 ઑગસ્ટે પીડિતાનો પરિવાર દીકરીને લઈને આસારામને મળવા માટે જોધપુર આશ્રમ પહોંચ્યો હતો.

આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર આસારામે 15 ઑગસ્ટે સાંજે 16 વર્ષની પીડિતાને ‘સાજી’ કરી દેવાના બહાને પોતાની ઝૂંપડીમાં બોલાવી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો. પીડિતાના પરિવાર માટે આ ઘટના આઘાતજનક હતી. તેમના માટે તેમનો ભગવાન તેમની દીકરીનો ભક્ષક બની ગયો હતો. આસારામ પર મૂકેલી શ્રદ્ધા ચકનાચૂર થઈ ગઈ અને પોલીસ ફરિયાદ પછી હાલાકીમાં મૂકાઈ ગયેલો આ પરિવાર છેલ્લાં પાંચ વર્ષથી નજરકેદમાં હોય તેવી રીતે જ જીવી રહ્યો છે.

**સાક્ષીઓ પર હુમલા અને હત્યા
28 ફેબ્રુઆરી, 2014ના રોજ આસારામ પર અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ મૂકનારી સુરતની બે બહેનોમાંથી એકના પતિ પર સુરતમાં જીવલેણ હુમલો થયો હતો. 15 દિવસ પછી રાકેશ પટેલ નામના આસારામના વીડિયોગ્રાફર પર પણ હુમલો થયો હતો. આ હુમલાના થોડા દિવસ બાદ દિનેશ ભગનાણી નામના ત્રીજા સાક્ષી પર સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં તેજાબ ફેંકવામાં આવ્યો હતો. આ ત્રણે સાક્ષીઓ તેમના પરના હુમલામાંથી બચી ગયા, પણ 23 માર્ચ 2014ના રોજ અમૃત પ્રજાપતિ પર થયેલો હુમલો તેમના માટે જીવલેણ નીવડ્યો હતો.
આસારામના અંગત મદદનીશ તરીકે કામ કરી ચૂકેલા અમૃત પ્રજાપતિ પર ચોથી વાર હુમલો થયો અને તેમને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગળામાં ગોળી મારી દેવાઈ. 17 દિવસ ઝઝૂમ્યા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. તે પછીનું નિશાન આસારામ સામે કુલ 187 અહેવાલો આપનારા શાહજહાંપુરના પત્રકાર નરેન્દ્ર યાદવ પર હતું. અજાણ્યા હુમલાખોરોએ તેમના ગળા પર જ વાર કર્યો હતો. જોકે 76 ટાંકા અને ત્રણ ઑપરેશન સાથે નરેન્દ્ર યાદવ સદનસીબે બચી ગયા છે.

તે પછી જાન્યુઆરી 2015માં બીજા એક સાક્ષી અખિલ ગુપ્તાની મુઝ્ઝફરનગરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેના બરાબર એક મહિના પછી આસારામના અંગત મદદનીશ તરીકે કામ કરી ચૂકેલા રાહુલ સચાન પર હુમલો થયો હતો. જોધપુર અદાલતમાં જુબાની આપવા આવેલા રાહુલ પર અદાલતના પરિસરમાં જ જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં રાહુલ સચાન બચી ગયા, પણ 25 નવેમ્બર 2015ના રોજ તેઓ ગુમ થઈ ગયા, તે પછી આજ સુધી તેમનો પતો લાગ્યો નથી.
સાક્ષીઓ પર હુમલાનો સીલસીલો ચાલતો જ રહ્યો અને 13 મે 2015ના રોજ મહેન્દ્ર ચાવલા પર પાણીપતમાં હુમલો થયો.
સાક્ષીઓ પરનો તે આઠમો હુમલો હતો. તેમાંથી તેઓ માંડ માંડ બચ્યા, પણ આજેય તેમને શારીરિક ખોડ રહી ગઈ છે. આ હુમલાના ત્રણ મહિનામાં જ જોધપુરમાં વધુ એક સાક્ષી 35 વર્ષના કૃપાલ સિંહને ગોળી મારી દેવામાં આવી. જોધપુર કોર્ટમાં પીડિતાની તરફેણમાં તેમણે જુબાની આપી તેના થોડા જ અઠવાડિયામાં કૃપાલ સિંહની હત્યા કરી દેવાઈ.