મિલકત સંબંધી તકરાર જ્યારે કોર્ટમાં પહોંચે ત્યારે નિવેડો આવતાં પેઢી પુરી થઇ જાય છે. કોર્ટના આ કાર્યભારણના કારણે સેટલમેન્ટનો રસ્તો અપનાવાતો હોય છે. આ સંજોગોનો ગેરલાભ ઉઠાવવા માટે લાયઝનિંગ કરતી ટોળકી પેંધી પડી છે. કલેક્ટરાલયથી માંડી હાઇકોર્ટથી લઇ સુપ્રિમ કોર્ટ સુધી આ લાઇઝનિંગ કરનારાઓની જાળ બિછાયેલી છે. સંબંધિત અધિકારીઓને પ્રભાવિત કરી, પ્રભોલન આપી પોતાના તરફે હુકમ મેળવી લેવામાં ફાવટ ધરાવતી આ ટોળકી સંબંધિત પાર્ટી પાસે તગડી રકમ પડાવી લેતી હોય છે. આવી જ ઘટના વડોદરાના એકાઉન્ટન્ટ સાથે ઘટી. મિલકત સંબંધી કેસમાં કેસ જીતાડી દેવાનું કહી સુપ્રીમ કોર્ટના નામે ખોટા ઇમેલ કરી એકાઉન્ટન્ટ પાસે એક ગઠિયાએ 3.73 કરોડ રૂપિયા પડાવી લીધા હતાં જો કે વધું રૂપિયાની માંગણી થતાં મામલો પોલીસમાં પહોંચ્યો અને પોલીસે ભરત દિલિપભાઇ પટેલ નામના અમદાવાદના શખ્સને ઝડપી લીધો છે. વધુ રૂપિયા લેવા માટે તે વડોદરા મુંબઇ હાઇવે પર આવ્યો હતો. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે વૉચ ગોઠવીને ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ ખેડાના રહેવાસી અને હાલમાં આજવા રોડ ઉપર આવેલી સુરભી પાર્ક સોસાયટીમાં રહેતા નટવરભારથી ગોસાઈ એકાઉન્ટન્ટની સાથે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે. તેમના મિલકત ,ઘરેલુ વિવાદ મામલે અલગ અલગ કેસો ચાલી રહ્યા છે. તેમનો પરિચય ભરત દિલીપભાઈ પટેલ (રહે. ઉસ્માનપુરા, અમદાવાદ ) સાથે થયો હતો. પરિચય થયા બાદ ભરતે જણાવ્યું હતું કે, હું એડવોકેટ શક્તિસિંહ ઝાલા માટે કામ કરું છું. તમારો કેસ તેમને સોંપી કામ પતાવી આપીશ. અને કેસ ફી નહીં લેવા માટે જણાવ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકાઉન્ટન્ટ નટવર ભારથીએ વકીલ સાથે કામ કરતો હોવાનું જણાવનાર ભેજાબાજ ભરત પટેલે વિવિધ કારણો દર્શાવી પૈસા માંગતા તેઓને ટુકડે ટુકડે 20 લાખ રૂપિયા ભરતને આપ્યા હતા. ત્યારબાદ ભરત પટેલે એડવોકેટ આર. એન. ઝાલા ઉર્ફે શક્તિસિંહ ઝાલા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હાઇકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવ્યું હતું. તે સાથે જે ફી હશે તે અમારા બેંક ખાતામાં નાખી આપજો તેમ જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે તમારા કેસની ઓનલાઈન વિગત મળી રહે તે માટે ઈમેલ આઇડી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, ભેજાબાજ ભરત પટેલે ગુજરાત હાઇકોર્ટના નામથી નટવરભારથીના પુત્રના મેઇલ એડ્રેસ ઉપર અલગ અલગ બહાના બતાવી રૂપિયાની માંગણી કરતા મેસેજો કર્યા હતા. વડોદરા સેશન્સ કોર્ટ, વડોદરા કલેકટર, મદ્રાસ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નામે ઈમેલ કર્યાં હતા.
નટવરભારથી ગોસાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભેજાબાજ ભરત પટેલે સ્ટેમ પેપર, કોર્ટ ફી સહિતના અલગ અલગ કારણો દર્શાવી વર્ષ 2018 થી આજ દિન સુધી રૂપિયા 3,73,10,000ની રકમ પડાવી હતી. જે રકમ તેમણે તેમના સગા સંબંધી મિત્રો પાસેથી ઉછીના મેળવી ટુકડે ટુકડે ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. ભેજાબાજે જણાવ્યું હતું કે, તમે જે રકમ ભરી છે તે સુપ્રીમ કોર્ટમાં બોન્ડ પેટે જમા છે. અને હવે રૂપિયા 6,83,000 નહીં ભરો તો તમામ રકમ કોર્ટ જપ્ત કરી લેશે. ત્યારબાદ દીકરાના મોબાઈલ ઉપર સુપ્રીમ કોર્ટે તમને બે વર્ષની સજા ફટકારી છે અને નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થયો છે. તમે જવાબ આપ્યો નથી., તેવો પણ ભેજાબાજ ભરત પટેલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના નામે મેસેજ કર્યો હતો. આખરે એકાઉન્ટન્ટને બોગસ વકીલ સામે શંકા જતા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં છટકું ગોઠવી ભરતને ઝડપી લેવાયો હતો.