વલસાડના કાંજણ હરિ ગામમાં જામેલી દારૂની મહેફિલ ઉપ જિલ્લા એલસીબી ત્રાટકી હતી. બાતમીના આધારે પોલીસે એક મકાનમાં રેડ પાડીને કુલ 41 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલી દારૂની આ મહેફિલ ગામના સરપંચના સંબંધીના ઘર આંગણે જ ચાલી રહી હતી. એટલું જ નહિ દારૂડિયાઓની આ મહેફિલમાં ખુદ ગામના સરપંચ પણ સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વલસાડ જિલ્લાની એલસીબી પોલીસને કાંજણ હરિ ગામમાં પોલીસને બાતમી મળી હતી કે અહીં એક મકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. બાતમી મળતાની સાથે જ પોલીસનો સ્ટાફ ગુપ્ત રાહે અહીં પહોંચ્યો હતો. અહીંથી આરોપીઓ છટકવાની શકયતા હોવાથી પોલીસે ફિલ્મી ઢબે આખો વિસ્તાર પણ કોર્ડન કરી દીધો હતો. ટૂંકમાં પોલીસ આરોપીઓને પકડવા માટે પૂરતી તૈયારી સાથે અહીં પહોંચી હતી. તામજામ સાથે કરાયેલી દરોડાની કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી.
વલસાડ એલસીબીએ કાંજણ હરિગામે એક મકાનમાં દારૂની મહેફિલ માણતા લોકોની ધરપકડ કરી હતી. પોલીસે અહીં દરોડા પાડીને દારૂની મહેફિલ માણતા ગામના સરપંચ સહિત કુલ 41 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં નનકવાડા ગામના સરપંચ વિનોદ પટેલ ખુદ સામેલ હતા. દારૂની આ મહેફિલ સરપંચના જ એક સંબંધીના ઘર આંગણે ચાલી રહી હતી. વધુ મળતી માહિતી પ્રમાણે જે મકાનમાં આ દારૂની મહેફિલ ચાલી રહી હતું તે મકાન વિનોદ પટેલના બનેવીનું છે.
એલસીબી પોલીસે સરપંચ વિનોદ પટેલ સહિત કુલ 41 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત દારૂ અને વાહનો સહિત કુલ 50 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગામના સરપંચ ખુદ આ દારૂની મહેફિલ માણતા પકડાયા હોવાની વાત વાયુવેગે ફેલાતા અહીંના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. જોકે હવે પોલીસ આગળની કાર્યવાહી કોઈપણ રાજકીય દબાણવશ કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે મહેફિલમાં પીવા માટે લાવવામાં આવેલો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા આ દારૂ અહીં લાવવામાં આવ્યો હતો.