ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કથિત રીતે ખુલાસો કર્યો છે કે તેણે 2018 માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની “હત્યા” માટે તમામ તૈયારીઓ કરી હતી. આ માટે તેણે એક ખાસ રાઈફલ પણ ખરીદી હતી, જેના માટે તેણે 4 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મામલામાં લોરેન્સ બિશ્નોઈ હાલમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. તે પહેલા દિલ્હી પોલીસે તેની પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે લોરેન્સે સલમાનને મારવાનું કારણ પણ જણાવ્યું. તેણે કથિત રીતે કહ્યું કે તે ચિંકારાના શિકારને લઈને સલમાન ખાનથી નારાજ છે કારણ કે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં બિશ્નોઈ સમુદાયને ચિંકારા પ્રિય છે.
1998માં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન સામે ચિંકારાના શિકારનો મામલો સામે આવ્યો હતો. સલમાનને એપ્રિલ 2018માં જોધપુર કોર્ટે બે કાળિયાર મારવાના આરોપમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. સલમાને સજાને ઉપલી કોર્ટમાં પડકારી છે. આ કેસમાં સલમાનને થોડો સમય જોધપુર જેલમાં પણ રહેવું પડ્યું હતું. બાદમાં તેને ભરતપુર જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
લોરેન્સ બિશ્નોઈએ કથિત રીતે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેણે સલમાન ખાનને મારવા માટે રાજગઢના રહેવાસી સંપત નેહરાને મેસેજ મોકલ્યા હતા. તે સમયે નેહરા ફરાર હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોરેન્સે જણાવ્યું કે સલમાનને મારવા માટે સંપત નેહરાને મુંબઈ મોકલવામાં આવ્યો હતો. તેણે અભિનેતાના ઘરની આસપાસ રેકી પણ કરી હતી. પરંતુ નેહરા પાસે એક જ પિસ્તોલ હતી. તેની પાસે લાંબા અંતરની રાઈફલ નહોતી. જેના કારણે તે સલમાન પર હુમલો કરી શક્યો નહીં.
લોરેન્સે પોલીસને કથિત રીતે જણાવ્યું કે આ પછી જ તેણે આરકે સ્પ્રિંગ રાઈફલ ખરીદવાનું નક્કી કર્યું. લોરેન્સના કહેવા પ્રમાણે તેણે દિનેશ ડાગર નામના વ્યક્તિને આ રાઈફલ ખરીદવાનો આદેશ આપ્યો હતો. આ માટે 4 લાખ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી હતી. આ ચુકવણી ડાગરના ભાગીદાર અનિલ પાંડેને કરવામાં આવી હતી. જોકે, 2018માં પોલીસે ડાગરના કબજામાંથી આ રાઈફલ કબજે કરી હતી.