સુરત: રાજ્યના ગૃહમંત્રીના હોમટાઉન સુરતમાં પોલીસના કહેવાતા અનેક અને અથાગ પ્રયત્નો છતાં ગુનેગારો નિરકુંશ હોવા ી પ્રતીતિ કરાવતી ઘટના શહેરના કોટ વિસ્તારમાં બની હતી. સુરત શહેરમાં અલગ અલગ ગેંગ વચ્ચે ઝઘડા જ નહી લોહિયાળ કહો કે ખૂની હુમલાની ઘટનાઓ રોજ બ રોજ બની રહી છે. દારુની બાતમી આપી હોવાના વહેમમાં ડીંડોલીના યુવકને રહેંસી નાંખવાની ઘટના, સાયકલ લૂંટવા લીંબાયતના યુવકને ઘા મારવાનો બનાવ બાદ લાલગેટ અને પાંડેસરામાં પણ હત્યાની ઘટનાઓ ઘટી છે.
રવિવારની રાતે લાલગેટ વિસ્તારમાં આરિફ મીંડી ગેંગના સાગરીત ઉપર ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી ઉર્ફે બિલાલ પુનાવાલાનું કરુણ મોત થયું હતું. પોલીસ તપાસમાં ફાયરિંગ જનતા માર્કેટ ખાતે બેવડી હત્યાના આરોપી ફઇમ સુકરીએ કર્યું હોવાનું ખુલ્યું છે.
ફાયરિંગ કરનારો ફઇમ હાલ પેરોલ પર જેલ બહાર આવ્યો હતો. સુરતના લાલગેટ વિસ્તારમાં રવિવારે રાતે એક વ્યક્તિ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ચૂક્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક સુરતના માથાભારે આરીફ મીંડીનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં છેલ્લા લાંબા સમયથી આરીફ મીંડી ગેંગનો આંતક છે. ગુજસીટોક સંહિતાના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાય ચૂક્યા છે.
જ્યારે તેની સામે રહેલી સૂકરી ગેંગ પણ ગુનાખોરી માટે નામચીન છે. આ જ ઝઘડામાં ગઈકાલે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
ફાયરિંગમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસની સાથે ગેંગના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
ગેંગવોરમાં ઘાયલ આરીફ મીંડીના જમાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મીંડી ગેંગ સામે હપ્તાખોરી ઉપરાંત વ્યાજનો બિઝનેસ અને દાદાગીરી સહિત અનેક ગુના દાખલ છે. ફાયરિંગ કરનાર અને મરનાર સંબંધે સાળા બનેવી થતાં હોવાનું પણ જાણવા મળે છે.