વલસાડ જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વલસાડના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઔરંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ ઉભી થતાં તેના પાણી વલસાડના વિસ્તારોમાં ઘૂસી ગયા છે. ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. શહેરના કશ્મીર નગર તળિયાવાડ, લીલાપોર, બંદર રોડ જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે હાલ NDRFની ટિમો દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમે આજે બંદર રોડ વિસ્તારમાં નાના બાળકો અને સગર્ભા મહિલાઓનું સૌથી પહેલા રેસક્યુ કર્યું હતું. તો ઔરંગા નદીમાં 16 કલાકથી ફસાયેલા JCB ચાલકનું દિલધડક રેસ્કયુ કરાયું હતું. વલસાડ શહેરમાં 70થી વધુ લોકોને NDRFએ રેસ્કયુ કરીને બચાવ્યા હતા. જ્યારે 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આજે સવારથી અત્યાર સુધીમાં 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે 6 કલાકમાં જ 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી વલસાડ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. 70થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી NDRFની ટીમ દેવદૂત બની છે. નર્મદામાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી દેવ નદીમાં પૂર આવ્યા છે. મહારાષ્ટ્રને જોડતા પુલ પર પાણી ફરી વળતાં SDRFની ટીમ તૈનાત કરાઈ છે.

ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો નો પુલ પાણીમાં ડૂબ્યો હતો જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો સાથે બંદર રોડ પર પણ પાણી ફરી વડવાના કારણે રસ્તો બંધ કરાયો હતો ઔરંગા નદીના પાણી શહેરના કશ્મીર નગર વિસ્તારમાં ઘૂસ્યા હતા સતત નદીની સપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવમાં આવ્યું છે તો નદીના નજીક આવેલા વિસ્તારો વહીવટી તંત્ર દ્રારા ખાલી કરાવવામાં આવી રહયા હોવાનું જાણવા મળે છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેલા સતત અપીલ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતાં વ્યક્તિઓને સલામત સ્થળે ખસી જવા કહેવાય રહ્યું છે. સાથે જ અતિ આવશ્યક કામ ન હો તો ઘરની બહાર નહીં નિકળવા પણ જણાવાય રહ્યું છે.