અમદાવાદ : ગોધરાકાંડના પગલે થયેલા 2002ના રમખાણો, તોફાનોને રાજકીય રીતે વિવાદમાં ધસડી ચગાવનારા, કાનૂની ગૂંચ ઉભી કરનારા તિસ્તા સેતલવાડ અને બે પૂર્વ IPS શ્રીકુમાર તથા સંજીવ ભટ્ટ સામે સુપ્રિમ કોર્ટે આપેલા તપાસનાં આદેશને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધ્યો છે. આ કેસમાં તિસ્તા અને શ્રીકુમારની ધરકપડ પણ કરાઇ છે. અમદાવાદ પોલીસના પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની અટકાયત કરવામાં આવી તે અંગે ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને આનંદ વ્યક્ત કર્યો છે.
નંબી નારાયણને જણાવ્યું કે, આપણી સિસ્ટમ એવી છે કે, કોઈ પણ વ્યક્તિ ખોટા નિવેદનો આપી શકે છે અને પછી તેનાથી દૂર ભાગી શકે છે. મને એ જાણીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, તેમની ધરપકડ કરવામાં આવી કારણ કે, દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તેઓ શાલીનતા મામલે તમામ હદ પાર કરી રહ્યા છે. નારાયણને જણાવ્યું કે, ‘મને ખબર પડી કે, વાર્તાઓ ઘડવા અને તેને સનસનીખેજ બનાવવાના આરોપસર આજે તેમની ધરપકડ કરવામાં આવી. તેમના સામે એક આરોપ હતો. બિલકુલ એવો જ જેવો તેમણે મારા કેસમાં કર્યો હતો.’
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે શનિવારના રોજ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડને મુંબઈ ખાતેથી જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારને અમદાવાદ ખાતેથી અટકાયતમાં લીધા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પીઆઈ ડીબી બારડે આ બંનેની સાથે જ સરકાર તરફથી પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે પણ ફરિયાદ દાખલ કરાવી છે. એફઆઈઆરમાં આ ત્રણેય વ્યક્તિઓ સામે નકલી દસ્તાવેજ તૈયાર કરવાના, ખોટા અને મનઘડંત તથ્યો રજૂ કરીને કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ કરવા સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નંબી નારાયણન પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ લાગ્યો હતો. નંબી નારાયણે 1994ના વર્ષમાં ભારત સરકારના ક્રાયોજેનિક અપર સ્ટેજ (CUS) પ્રોજેક્ટને લોન્ચ કર્યો હતો. તે 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. નંબી પર આરોપ હતો કે, તેમણે એ ટેક્નોલોજી પાકિસ્તાનને વેચી હતી.જોકે બાદમાં તેઓ દેશભક્તિની મિસાલ બન્યા હતા. નંબી સામેના જાસૂસી અંગેના તમામ આરોપો ખોટા સાબિત થયા હતા. સુપ્રીમ કોર્ટે વર્ષ 2018ના પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે, નારાયણનની બળજબરીથી ધરપકડ કરવામાં આવી. નારાયણનને વર્ષ 2019માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.