અમદાવાદ: દાહોદ નજીક દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક ઉપર રવિવારે મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. આ રેલવે લાઇન ઉપર મંગલ મહુડી નજીક કોઇ કારણસર માલગાડી ખડી પડી હતી. માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે માલગાડીના 12થી વધારે ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. માલગાડીને નડેલા અકસ્માતને પગલે મુંબઈ-દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે. આ કારણ નવ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવેના ડબ્બા પાટા પરથી ઉતર જતાં ટ્રેન ઉપર વીજળીના કેબલમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

રેલવેના આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. આ દરમિયાન રાત્રે 12:30 વાગ્યે કોઈ કારણસર પાછળથી 17થી 18 ડબ્બા છૂટા પડી ગયા હતા. ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ ઉપરાંત રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. આ ઉપરાંત રેલવે લાઇનના કેબલને ભાર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો.

અકસ્માતને પગલે વહેલી સવારથી જ રેલવે તરફથી રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રેલવેના અધિકારીઓ આશા રાખી રહ્યા છે કે બપોર સુધી કેબલ જોડવાથી લઈને ટ્રેક સરખો થઈ શકે છે. એટલે કે બપોર બાદ આ રૂટ શરૂ થઈ શકે છે. જોકે, ઘટના સ્થળના દ્રશ્યો જોઈને આ કામ લાંબુ ચાલે તેવું લગી રહ્યું છે. આ મામલે DRM મુંબઈ સેન્ટ્રલ, વેસ્ટર્ન રેલવે તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે રત્લામ ડિવિઝનની ખાતે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં નીચેની ટ્રેનને ડાઇવર્ટ કરવામાં આવી છે. ટ્રેન નંબર, 12228, 12910, 12952, 12954, 22902, 12926, 22195, 20941, 19019.