હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા સરકારી જમીન ઉપર કરાયેલા દબાણ સત્વરે દૂર કરવા સાથે આ ગેરકાનૂની કૃત્ય બદલ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રીસ, મહેસૂલ મંત્રી, મહેસૂલ વિભાગના સચિવને લખવામાં આવ્યો છે. સહકારી અને ખેડૂત આગેવાન અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા તત્કાલીન એસ્સાર અને હાલ AM/NS કંપની દ્વારા ચોર્યાસી તાલુકાનાં હજીરા ગામના સરકારી રેવન્યુ સર્વે નંબર 180, 181, 182, 183, 184, 185, 187/બ, 235/અ, 235/બ, 237, 238, 239/અ, 241, 242, 243/અ,434 વાળી જમીનની ઉપર અનધિકૃત દબાણ કરવા બાબતે ગુજરાત મેહસૂલ વિભાગના તા.16/07/2022ના સરકારી જમીન જાળવણી કરવા તેમજ તેના પર થતું અનધિકૃત દબાણ અટકાવવા બાબતના પરિપત્રના આધારે કાર્યવાહી કરવા બાબતે મુખ્ય મંત્રી શ્રી ગુજરાત,મુખ્ય સચિવ શ્રી અને મહેસુલ સચિવશ્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતું દબાણ અટકાવવા તથા જો દબાણ થયેલ હોય તો તેને દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવી કાઢવા અને ચુસ્તપણે અમલ કરવા અંગે મેહસૂલ વિભાગ દ્વ્રારા તા.16/07/2022 ના રોજ પરિપત્ર કરવામાં આવેલ હતો. આ પરિપત્રમાં ક્રમાંક (૧) થી (૬) માં દર્શાવેલ પરિપત્રોથી વારંવાર સૂચનાઓ આપવામા આવી છે કે સરકારી જમીન ઉપર જે વ્યક્તિએ ઔદ્યોગિક/ધંધાકિય(કોમર્શિયલ) દબાણ કર્યુ હોય તો તેને લાઈટ, પીવાના પાણી તથા ગટરના જોડાણ ન મળે તેવી પાકી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરશ્રીઓએ સંબંધિત વિભાગોના તમામ અધિકારીઓની સાથે બેઠક કરી સૂચનાઓ આપવી એટલું જ નહીં તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું. ઉપરાંત ક્રમાંક (૭) ના ઠરાવથી શહેરી વિસ્તારમાં દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિઓને રોકવા તથા તેના નિયમન માટે મ્યુનિ. કમિશનરશ્રી/કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સીસની રચના કરવામાં આવેલ છે તથા ક્રમાંક (૮) ના પત્રથી સુરત જિલ્લા કલેક્ટરશ્રીને ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
જિલ્લા નિરીક્ષક દફતરમાં તા.13/04/2022 ના રોજ કરવામાં આવેલ માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલ અરજીમાં મળેલ માહિતી મુજબ હજીરા ખાતે આવેલ તત્કાલીન એસ્સાર અને હાલ AM/NS કંપની દ્વારા સરકારી અને વન વિભાગની સરકારી રેવન્યુ સર્વે નંબર 180, 181, 182, 183, 184, 185, 187/બ, 235/અ, 235/બ, 237, 238, 239/અ, 241, 242, 243/અ વાળી જમીનની ઉપર અનધિકૃત દબાણ કરવામાં આવેલ છે. હાલમાં બે ત્રણ મહિના પહેલા રેવન્યુ અને જંગલ ખાતા દ્વારા સંયુક્ત માપણી કરી તેમાં કેટલું દબાણ આવ્યું છે.મળતી માહિતી મુજબ લગભગ ૬૦ હેક્ટરનું દબાણ જંગલ ખાતાનું આમાં પણ માલુમ પડ્યું છે.સદર કંપની દ્વારા જંગલની જમીન સર્વે નંબર 434 માં 20.76 હેક્ટરમાં ગેરકાયદેસર ટાઉનશીપ 1995 થી બનાવેલ છે જે આજે પણ યથાવત છે.

ચોર્યાસી તાલુકાનાં મોજે.હજીરાના જૂના સર્વે નંબર 434/પૈકી(નવો સર્વે નંબર 255/અ/1/અ તથા 255/અ/1/અ /બ ) કુલ 300-04-18 હે.ચો.આરે હદ વિસ્તારમાં કંપની દ્વારા 75-42-21 હે.ચો.આરે.વિસ્તારમાં ,જૂના સર્વે નંબર 364(નવો સર્વે નંબર 185) કુલ 12-31-26 હે.ચો.આરે હદ વિસ્તારમાં કંપની દ્વારા 1-72-60 હે.ચો.આરે.વિસ્તારમાં, જૂના સર્વે નંબર 358(નવો સર્વે નંબર 179/અ અને 178/બ) કુલ 161-86-51 હે.ચો.આરે વાળી જમીન પૈકી સર્વે નંબર 179/બ માં 1-88-33 હે.ચો.આરે વિસ્તારમાં જમીન દફતર સુરત વિભાગ દ્વ્રારા કરવામાં આવેલ માપણીના રિપોર્ટ મુજબ કંપની દ્વારા દબાણ કરવામાં આવેલ છે. તથા 179/અ માં 13-69-99 હે.ચો.આરે વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરી ઝીંગાના તળાવ બનાવવામાં આવેલ છે.હજીરા ના સર્વે નંબર 353/અ/1/અ 1 પૈકી ના કુલ 2-50-00 હે.ચો.આરે વિસ્તાર માં EHES કંપની દ્વારા જમીન દફતર સુરત વિભાગ દ્વ્રારા કરવામાં આવેલ માપણીના રિપોર્ટ મુજબ કંપનીએ ગેરકાયદેસર દબાણ કરેલ છે.
સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવા, જે સરકારી જમીનો પરનાં દબાણ ખુલ્લા કરવા તથા તેની યોગ્ય સુરક્ષા કરવા અને જો દબાણ થયેલ હોય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ પ્રસિધ્ધ થયેલ સૂચનાઓ મુજબ કાર્યવાહી કરી દબાણ હટાવી ખુલ્લા કરાવવા અને વ્યવસ્થિત જાળવણી થાય તે મુજબનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા વહીવટી તંત્રને જણાવવામાં આવેલ હોવા છતા પણ વહીવટી તંત્ર દ્વારા સરકારી નિતનિયમો મુજબ કોઇ પણ કાર્યવહી કરવામાં આવી રહેલ નથી.જ્યારે કોઇ સામાન્ય નાગરિક દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે પરંતુ સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ હજીરામાં સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ દબાણ બાબતે સ્થાનિકો,પદાધિકારીઓ,ખેડૂત આગેવાનો તથા ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતા પણ વહીવટી તંત્ર દ્વારા કોઇ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.
આપ શ્રી દ્વારા ઉપરોક્ત હકીકઓ ધ્યાને રાખી મેહસૂલ વિભાગના તા.૨૬/૦૨/૨૦૦૪ ના પરિપત્રમાં જણાવ્યા મુજબનું સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ રજીસ્ટર નિભાવવામાં આવે અને તેની સમીક્ષા તથા ચકાસણી સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે કરવામાં આવે અને જો સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી બાબતે વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ નિષ્ફળ રહે તો તેમની સામે જવાબદારી નક્કી કરવા માટે સરકારી નિયમ મુજબ શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવે એવી સુરત જિલ્લાના લોકો વતી સરકારી હિતમાં મારી માગણી છે.