પ્રેમમાં ગજબની તાકાત હોય છે. પ્રેમને પામવા માટે યુગલો કોઇપણ હદે જતાં હોવાના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતાં રહે છે. કંઇક આવી જ ઘટના તાજેતરમાં બંગાળથી સામે આવી છે. પોતાના નેટ લવરને પામવા, લગ્ન કરવા માટે બાંગ્લાદેશી યુવતી દરિયો તરીને આવી હતી. બંગાળમાં આવી તેણે પ્રેમી સાથે લગ્ન તો કર્યા પરંતુ તેણે ગેરકાયદે ભારતમાં પ્રવેશ કર્યો હોય પોલીસે તેણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મીડિયા રિપોર્ટસ મુજબ 22 વર્ષની યુવતી તરીને પોતાના પ્રેમી માટે આટલી દૂર આવી. આ યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે માત્ર ભારતની સરહદ પાર કરી પરંતુ પાણીમાં તરીને પણ આવી. યુવતીએ સુંદરવનના જંગલી જંગલોને પણ પાર કર્યા. આ સિવાય યુવતીએ પોતાના જીવને જોખમમાં મુકીને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને કાયદો તોડ્યો. મહિલાની ઓળખ કૃષ્ણા મંડલ તરીકે થઇ છે. કૃષ્ણાએ અભિક મંડલ સાથે ફેસબુક પર મુલાકાત કરી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થયો. અભિકને મળવા માટે ઉત્સુક કૃષ્ણાએ પાણીમાં તરવાનો માર્ગ પસંદ કર્યો. કારણકે તેની પાસે કાયદેસર પાસપોર્ટ ન હતો. પોલીસ સુત્રોનો દાવો છે કે કૃષ્ણાએ સૌથી પહેલા સુંદરવનમાં પ્રવેશ કર્યો હતો. જે રૉયલ બંગાલ ટાઈગર્સ માટે લોકપ્રિય છે.
સુંદરવન પહોંચ્યા બાદ યુવતી તેના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે વધુ એક કલાક સુધી તરતી રહી. તે તેના બોયફ્રેન્ડ અભિકને મળી અને પછી કોલકત્તાના કાલીઘાટ મંદિરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઇ. કૃષ્ણાએ ગયા સોમવારે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. સુત્રોનો દાવો છે કે કૃષ્ણાને હવે બાંગ્લાદેશ હાઈકમિશનને સોંપવામાં આવશે. જ્યારે કોઈ માણસે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. થોડા મહિના પહેલા એક બાંગ્લાદેશી કિશોર તેની મનપસંદ ચોકલેટ ખરીદવા માટે સરહદ પાર તરીને આવ્યો હતો.