છોટાઉદેપુર: ભાજપ જિલ્લા યુવા મોરચાનાં પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. બીજેપી નેતા રાત્રિનાં અગિયાર વાગ્યે બાઈક લઈને ઘરે જતાં હતા તે દરમિયાન સિહોદ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર ભાજપ જિલ્લા યુવા મોરચાનાં પ્રમુખ હિરેન પંડિતનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. નિકટવર્તીઓના કહેવા પ્રજ્માણે હિરેન પંડિત શનિવારે રાત્રિનાં અગિયાર વાગ્યે બાઈક લઈને ઘરે જતાં હતા.
તે દરમિયાન સિહોદ ચોકડી પાસે એક ઝાડ સાથે તેમની મોટર સાયકલ ભટકાઈ હતી. ધડાકાભેર બાઇક અથડાતા સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં બીજેપી નેતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એ સમયે ત્યાથી પસાર થતાં રાહદારીઓએ 108 દ્વારા બોડેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક વિસ્તારમાં ખાસ્સા જાણીતા અને લોકપ્રિય એવા યુવા મોરચાનાં પ્રમુખનું મોત થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે.