સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં લોરેન્સ નિશ્નોઇ ગેંગ સામેલ હોવાની વાત પોલીસ જણાવી રહી ચે. લોરેન્સની જેલમાંથી ધરપકડ કરી પોલીસે સાત દિવસની કસ્ટડી પણ લીધી છે. આ અગાઉ લોરેન્સ ગેંગના કહેવાતા શૂટર સંતોષ જાધવને પૂણે ગ્રામીણ પોલીસે ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. કોર્ટે તેને 20 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. શાર્પ શૂટર સંતોષ જાધવ પર સિદ્ધુ મૂસોવાલા પર ગોળી ચલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના અધિક પોલીસ મહાનિર્દેશક કુલવંત કુમાર સારંગલે મીડિયાને જણાવ્યું હતું કે, સંતોષને સિદ્ધુ મૂસેવાલાની હત્યા વિશે જાણકારી હતી. જોકે, સંતોષ જાધવ ગયા વર્ષથી જ રાન્યા બનખેલે હત્યાકાંડમાં ફરાર હતો. પુણે ગ્રામીણ પોલીસે સંતોષની સાથે-સાથે તેમનો સાથી નવનાથ સૂર્યવંશીની પણ ધરપકડ કરી હતી.

સતોષ જાધવનું નામ મૂસેવાલા હત્યાકાંડ પહેલા પુણેના એક અપરાધી ઓમકાર ઉર્ફે રાન્યા બનખેલેની હત્યામાં આવ્યું હતું. તેના પર આરોપ છે કે 1 ઓગષ્ટ 2021ના રોજ સંતોષ જાધવે પુણેના એકલહરે ગામ નજીક 25 વર્ષના રાન્યાની હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં 9 આરોપી હતા. પોલીસે 7ની ધરપકડ કરી હતી પરંતુ મુખ્ય આરોપી સંતોષ જાધવને પોલીસ નહોતી પકડી શકી. પરંતુ 10 મહિના બાદ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. સંતોષ જાધવનો પરિવાર પુણેના અંબેગામ તાલુકામાં રહે છે અને લગભગ 10 વર્ષ પહેલા તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
નાની ઉંમરમાં જ સંતોષ અપરાધની દુનિયામાં આવી ગયો હતો. મંચર પોલીસે સંતોષ સામે 2017માં પ્રથમ કેસ નોંધ્યો હતો. તે મારપીટનો મામલો હતો. ત્યારબાદ 2019માં બાળ જાતીય શોષણનો કેસ પણ નોંધાયો હતો. આ બંને કેસમાં સંતોષ જાધવ જામીન પર છૂટી ગયો હતો.
પુણેના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સંતોષ જાધવ અને ઓમકાર બનખેલે એક જ ગેંગમાં કામ કરતા હતા અને બન્ને વચ્ચે અણબનાવ થઈ ગયો હતો. આ હત્યાકાંડ વિશે મળતી માહિતી પ્રમાણે 31 જૂલાઈ 2021ના રોજ સંતોષ જાધવે કહ્યું હતું કે, સૂર્યોદય પહેલા તે ઓમકારને મારી નાખશે અને આ હત્યા 1 ઓગષ્ટના રોજ જ થઈ હતી પરંતુબપોરના સમયે.
આમ તો સંતોષ જાધવ પરિણીત છે અને તેની એક પુત્રી પણ છે. તેની ઉંમર 22થી 24 વર્ષ માનવામાં આવી રહી છે. સંતોષની માતા સીતી જાધવે જણાવ્યું કે, પરિવારનો તેની સાથે કોઈ સંપર્ક નથી. છેલ્લી વખત દોઢ વર્ષ પહેલા તેની સાથે મુલાકાત થઈ હતી. બાળપણમાં તે સારો હતો પરંતુ પિતાના અવસાન બાદ તે બદલાવા લાગ્યો હતો.
મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા પ્રમાણે સંતોષ યુવા અપરાધીઓ સાથે કામ કરવા લાગ્યો અને પૂણેથી ભાગ્યા બાદ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં સક્રિય થઈ ગયો હતો. જોકે, મૂસેવાલા હત્યાકાંડમાં પંજાબ પોલીસે સંતોષ જાધવની સાથે-સાથે સૌરભ મહાકાલને પણ શંકાસ્પદ શૂટર ગણ્યો છે. સૌરભ મહાકાલનું વાસ્તવિક નામ સિદ્ધેશ કાંબલે છે. 19 વર્ષના સિદ્ધેશ પુણેના નારાયણ ગામના રહેવાસી છે. તેને પોલીસે પુણે-અહમદનગર જિલ્લા સરહદ પરથી ધરપકડ કરી છે.