કેન્દ્ર સરકારે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઈનને મંજૂરી આપતાં ગુજરાતને એક નવી રેલની ભેટ મળી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તારંગા હિલ-અંબાજી-આબુ રોડની નવી રેલને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નવી રેલ લાઈનનો અંદાજિત ખર્ચ 2798.16 કરોડ થશે અને તે 2026-27માં બંધાઈને પૂર્ણ થઈ જશે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે આ નવી રેલવે લાઇન ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુવિધા પૂરી પાડશે તે ઉપરાંત તે રાજસ્થાન અને ગુજરાતના મહત્વના સ્થળોને જોડવાનું કામ કરશે, 116.65 કિમી લાંબી આ નવી રેલ લાઇનનો અંદાજિત ખર્ચ- 2798.16 કરોડ રુપિયા છે. કેન્દ્રિય કેબિનેટ દ્વારા મંજુર કરાયેલી આ રેલ લાઇન વર્ષ 2026-27 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તારંગા હિલ- અંબાજી-આબુ રોડ રેલવે લાઈનની ઘણા લાંબા સમયથી માગ હતી. અંબાજી મુખ્ય યાત્રાધામ છે. સાથે જ આબુમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. સાથે જ ગુજરાતનું તારંગા પણ ખૂબ જ પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. કેબિનેટના નિર્ણય મુજબ આ ત્રણેય સાઈટને રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ લાઇન 116 કિમી લાંબી હશે. આ પ્રોજેક્ટથી 40 લાખ લોકોને રોજગારી મળશે. આનાથી મહેસાણા પાલનપુરની મુખ્ય લાઇન અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પરના દબાણમાં પણ ઘટાડો થશે.