સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર અંદાજિત રૂા.૧૩૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે તા.૧૯ જૂને સાંજે ૦૫:૦૦ કલાકે લોકાર્પણ કરવામાં આવશે. કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના માહાનુભાવો ઉપસ્થિત રહેશે.