રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લંપટ પતિની કરતુતોને પર્દાફાશ કરવા પત્નીએ સોશિયલ મીડિયા ઉપર જાળ બિછાવી અને તેમાં પતિમહાશય આબાદ ફસાયા હતાં. ગુજ્જુ ગર્લ ઇન્સ્ટાગ્રામ ઉપર પંજાબી કુડી બની દાણાં વેર્યા હતાં, પતિ તેના સ્વભાવ અનુસાર જ એ તરફ આકર્ષાયો અને પછી જે કંઇ થયું એના પરિણામે લંપટના મોંઢામાંથી ટપકતી લાળ બંધ થઇ અને કપાળે પરસેવો વળવા માંડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હેતલબેન શાહ નામની પરિણીતાએ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા પતિ સાસુ તેમજ દિયર વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2010માં તેના લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ સાસુ રસોઈ બાબતે મેણા ટોણા મારી ઝઘડો કરતા હતા. તો દિયર પણ તમે જ્યારથી અમારા ઘરે આવ્યા છો ત્યારથી અમારા ઘરમાં કંઈ જ સારું નથી થતું. મારી નોકરી પણ તમારા અશુભ પગલાના કારણે જ જતી રહી છે તેમ કહી હેરાન પરેશાન કરતા હતા.
સમગ્ર મામલે પતિને ફરિયાદ કરતા પતિ પણ મારા પર છેડાઈ જઈ મારી સાથે ઝઘડો કરતા હતા. આ તમામની વચ્ચે મારા પતિ કોઈ યુવતી સાથે વાતચીત કરતા હોય મોબાઈલના માધ્યમથી તેવું મને જણાઈ આવ્યું હતું. જ્યારે સમગ્ર મામલે મેં જ્યારે મારા પતિને પૂછ્યું ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે, અમે બંને પહેલા એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ હાલ અમે માત્ર મિત્રો છીએ તેમ કહી મારી વાતને ટાળી દેતા હતા.
દરમિયાન મારા પતિને બ્રેંઈન ટ્યુમર થતા ઓપરેશન કરાવવાનું હતું. જેથી મારા સાસુ તેમ જ મારા દિયર દવા સહિતનો ખર્ચ મારા માવતરથી લઈ આવવા બાબતે દબાણ કરતા હતા. મારા ઘરેણા વેચીને મેં મારા પતિની સારવાર કરાવી હતી. સાજા થઈ ગયા બાદ પણ મારા પતિ અવારનવાર તેમના મોબાઈલમાં યુવતીઓ સાથે વાતચીત કરતા હોવાનું મને જાણવા મળ્યું હતું. જેના કારણે મેં તેમને ઝડપી પાડવા માટે સોશિયલ મીડિયામાં એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જે ફેક એકાઉન્ટ બનાવી મેં મારા પતિ સાથે વાતચીત શરૂ કરી હતી.
વાતચીત દરમિયાન મારા પતિએ પંજાબી છોકરી સાથેના સંબંધોની વાત સ્વીકારી હતી. એટલું જ નહીં મારા પતિ મળવા માટે અમદાવાદ પણ બોલાવતા હતા. ફેક આઈડીના માધ્યમથી મેં જ્યારે કહ્યું કે, આપણા સંબંધોની ખબર તમારી પત્નીને પડશે તો તમે શું કરશો. ત્યારે સમગ્ર મામલાથી અજાણ મારા પતિએ મને ફેક આઈડીમાં જણાવ્યું હતું કે, તો હું મારી પત્નીને પણ છોડી દઈશ. ત્યારબાદ હું મારા ભાઈ સાથે અમદાવાદ જઈ મારા પતિને સમગ્ર ચેટ બતાવી તેમની લંપટ લીલાનો ભાંડાફોડ કર્યો હતો. છેલ્લે વર્ષ 2020 માં મારા પતિ મને રાજકોટ ખાતે મૂકી ગયા હતા. તેમજ જતા જતા કહ્યું હતું કે જો તારા નામે મિલકત ન કરે તો તું મારા ઘરમાં પગ ન મુકતી. ત્યારે છેલ્લે ના છૂટકે મારે ન્યાયની આશાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરવી પડી રહી છે.