નવસારી પુણ્ય સલીલા પૂર્ણાં નદીના પ્રકોપનું ભોગ બન્યું હોય તેમ અડધું નવસારી શહેર તેના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સમગ્ર જળગ્રસ્ત વિસ્તારોમાં બોટ ફરવા લાગતા શહેર અને નદી વચ્ચેનો ભેદ ભુસાઈ ભુલાઈ ગયો છે. પૂર્ણાં નદીના પુરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં ઘરવખરી તેમજ ધંધાદારીઓના દુકાનોમાં રહેલ કિંમતી સામાન પાણીમાં ગરક થઇ જતા કરોડોનું નુકસાન થવા પામ્યું છે. આ સાથે જ સલામતીના કારણોસર 10 હજારથી વધુંનું સ્થળાંતર કરાવાયું છે. પુરના પાણીમાં ત્રણ યુવકો તણાયા જેમાં એકનો મૃતદેહ મળી આવ્યાનું પણ જાણવા મળે છે.
ગતરોજ ઉપરવાસમાં વરસાદનું જોર નરમ પડતા પૂર્ણાં નદીની સપાટી ભયજનક સ્તર કરતા નીચે આવી ગઈ હતી અને પૂરનું જોખમ ટળી ગયાનું માની લેવામાં આવ્યું હતું.પરંતુ અચાનક જ મોડી રાત્રે ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ વરસવાનું શરૂ થતા પૂર્ણા નદીના જળસ્તરમાં અચાનક જ ભારે વધારો થઈ ગયો હતો અને નદીના આસપાસના ગામો અને શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા.અને જોત જોતામાં શહેરની તસવીર આખી બદલાઈ જવા પામી હતી.

નવસારી નગરના ભેંસતખાડા,મીથીલાનગરી, વિરાવળ ની એપીએમસી માર્કેટ, હિદાયત નગર,કમેળારોડ,મચ્છી માર્કેટ, ટાટા હાઇસ્કુલ,રીંગરોડ,ગધેવાન બંગલો,બંદર રોડ,શાંતાદેવી રોડ, સ્ટેશન વિસ્તાર,પ્રકાશ ટોકીઝ,ગાયત્રી મંદિર જેવા વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડતું હતું. આ સિવાય નદીના કિનારા ઉપર આવેલા ગામો જેવા કે કાછીયાવાડી,આમરી કસબા સ્ટેટ હાઇવે,માણેકપુર,સાગરા,તવડી જેવા ગામોમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા.ગુરુકુળ સુપાનો ઓવરબ્રિજ પણ પાણીમાં ગરક થઈ ગયો હતો. આસપાસના ગામડાઓનો સંપર્ક એકબીજા સાથે તૂટી ગયો હતો અને ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે તકલીફ વેઠવાની નોબત આવી હતી.

આદર્શ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ જતા 20 જેટલા લોકો ફસાઈ જવાની માહિતી ફાયર બ્રિગેડને મળતા તેમણે રેસ્ક્યુ કરીને 20 લોકો સહિત પાંચ દિવસના બાળકને રેસ્ક્યુ કરી બચાવી સુરક્ષિત સ્થળ ઉપર ખસેડ્યા હતા.
ફ્લડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ તરફથી મળતી માહિતી મુજબ બપોર સુધી જિલ્લાભરના 9420 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. નવસારી વિજલપુર નગરપાલિકાએ શહેરી વિસ્તારના સ્થળાંતરિત કરાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા ઉભી કરી હતી.

**પાણીમાં ડૂબી જતાં એક યુવકનું મોત: બે લાપતા
પૂર્ણાં નદીના પૂરના પાણી ટાટા હાઇસ્કુલ સુધી આવી ગયા હતા.રંગૂન નગરમાં આવેલા એક એપાર્ટમેન્ટ રહેતો યુવક પુરના પાણીમાં ફસાઈ ગયો હતો.આ યુવકે બહાર નીકળવા માટે બાલકની માંથી પાણીમાં ઝંપલાવી મૂક્યું હતું.પરંતુ પાણી ની ઊંડાઈ નું અનુમાન માપવમાં થાપ ખાઈ ગયેલ મુન્નાભાઈ નામક આ યુવક પાણીમાં ડૂબી ગયો હતો અને મોત ને ભેટ્યો હતો. ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ તેની લાશ પાણીની બહાર કાઢી પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.આ સિવાય મછાડ ગામના એક ઝીંગાના તળાવની રખેવાળી કરતા બે યુવકો પણ પુરના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી.પરંતુ પુરનાપાણી વધુ હોવાથી આ યુવાનોની શોધખોળ હજી કરી શકાઈ નથી.