સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓએ હંગામો મચાવ્યો હોવાનો એક મામલો સામે આવ્યો છે. બિકાનેરથી યશવંતપુર જતી ટ્રેનના મુસાફરોએ સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. પ્રવાસીઓએ ટ્રેનનની એસીમાંથી પાણી પડતું હોવાની ફરિયાદ કરી હતી. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચ્યા બાદ સ્ટેશન મેનેજર સાથે પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. પ્રવાસીઓએ અહીં બે કલાક સુધી ટ્રેન ઉભી રખાવી હતી અને અન્ય ટ્રેનની માંગ કરી હતી.
આ હોબાળાને લીધે સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ દોડતાં થઇ ગયા હતા. એસી વાટે પાણી ટપકતાં મોટાભાગના પ્રવાસીઓનો સામાન પલળી જતાં મુસાફરો ગુસ્સે ભરાયા હતા. મુસાફરોના હંગામાને લીધે રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું. પાણી ટપકવાનું સમસ્યાનું નિરાકરણ લાવવામાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને પસીના આવી ગયા હતા. જો કે અંતે સમસ્યાનું નિરાકરણ આવતાં ટ્રેન રવાના કરવામાં આવી હતી.