અમદાવાદ, 13 જુલાઈ…
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યમાં એવી સ્થિતિ ઉદ્ભવી છે કે 2 નેશનલ સહિત 51 સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે. આ સાથે જ પાણીનો ભરાવ થવાથી 769 જેટલા ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે.
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ બોડેલી APMC પર મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા પ્રશાસન સાથે બેઠક કરીને માર્ગદર્શન પણ આપ્યુ હતું. લોકોના જાનમાલને નુકશાન થયું છે તેને ઝડપથી સહાય ચૂકવવા સૂચના આપી હતી. નવસારીના પૂર્ણા નદીમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી છે તેનું હવાઈ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિભારે વરસાદને કારણે રાજ્યના 89 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
મંત્રી ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યું હતુ કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે સિવાય 30 જળાશયો 70થી 100 ટકા, 27 જળાશયો 50થી 70 ટકા, 51 જળાશયો 25થી 50 ટકા અને 77 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના 46.25 ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના 48 ટકા ભરાયા છે.
મંત્રી ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 NDRFની પ્લાટુન અને 21 NDRFની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે NDRFની 2 ટીમો અને NDRFની 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 575 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. NDRFની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક યુવાઓના સહયોગથી કચ્ચ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાના વિવિધ ગામોમાં પાણીમાં ફસાયેલા અંદાજે 110થી વધુ નાગરિકોને તેમજ 4 અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર સ્થાનિકો, NDRF- NDRFની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 31,035 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી 21,094 નાગરિકો હજુ આશ્રય સ્થાનોમાં છે જ્યારે 9,848 નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી માત્ર 138 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ 14 રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે 124 રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી માત્ર 769 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. આ માટે પણ GUVNLના અધિકારીઓને મંત્રીએ અભિનંદન આપ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે 51 સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો 483 પંચાયત મળી કુલ 537 માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-41, નવસારી નેશનલ હાઈવે-64 અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયો છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે. મંત્રી ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઈચ્છનીય છે.