દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ ધીરે ધીરે કપરી બની રહી છે. સુરત જિલ્લાના ચેરપુનજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ગત 24 કલાક દરમ્યાન લગભગ 7 ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. જેણે લઈ કિમ, વિરહ, વીરા સહિતની નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે. અનેક નદી નાળા તેમજ ડેમ ઓવર ફ્લો થયા છે. માંગરોળ તાલુકાના સેઠી ગામથી માંડવી તાલુકાને જોડતા કીમ નદી પરના લો લેવલ બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યાં હતા. જેને લઈ વાહન વ્યવહાર માટે આ રોડ બંધ કરાયો હતો. રાજ્યના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયો છે, તો ક્યાંક ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. NDRFની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે, જ્યારે અનેક ડેમો ઓવરફ્લો થતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે સવારથી અત્યાર સુધીમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદી આંકડાની વાત કરીએ તો, ગુજરાતના 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમાં ડાંગના વઘઈમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ડાંગના આહવા અને તાપીના ડોલવણમાં 5 ઈંચ, નર્મદાના સાગબારામાં પણ 5 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 4.5 ઈંચથી વધુ વરસાદ પડી રહ્યો છે. ડાંગના સુબીરમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના 24 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગનાં વઘઇમાં 160 એમએમ, આહવામાં 112 એમએમ, નર્મદાના સાગબારામાં 103 એમએમ, તાપી ડોલવણમાં 100 એમએમ, બોડેલીમાં 94 એમએમ, નવસારીનાં વાસંદામાં 88 એમએમ, ડેડિયાપાડામાં 83 એમએમ, ડાંગના સુબિરમાં 66 એમએમ, ઉમરપાડા, અબડાસા અને કવાંટમાં 40 એમએમ જેટલો વરસાદ વરસ્યો છે.

નવસારીના વાંસદામાં 4 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર ભરાયા પાણી ભરાયા છે. લાખાવાડી ગામે ઝાડ ધરાશાયી થતાં મકાનને ભારે નુકશાન થયું છે. સારા વરસાદથી વાંસદાના જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધી રહી છે. બીજી બાજુ વલસાડની ઔરંગા નદીના પાણીમાં JCB સાથે ફસાયેલા યુવકનું NDRFની ટીમે દિલધકડ રેસ્ક્યૂ કર્યુ હતું. ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા JCB સાથે યુવક ફસાયા હતા. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેવા માંડી છે. જો સાંજ સુધી વરસાદની આજ સ્થિતિ રહેશે તો નવસારી જીલ્લાના ચીખલી અને ગણદેવી તાલુકામાં માટે ચિંતાનો વિષય છે. જેને લઇ તંત્ર દ્વારા આસપાસના અંદાજે 24થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.

રાજ્યભરમાં મેઘ મહેરના કારણે નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ડેમ પણ ઑવરફ્લો થઈ રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી હર્ષદમાં આવેલો મેઢાક્રિક ડેમ ઑવરફ્લો થયો છે. આ ડેમ ઑવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના મહુવાનો મધર ઈન્ડિયા ડેમ ઑવરફ્લો થયો છે. અંબિકા નદીમાં પૂર આવતા 22થી વધુ ગામની જીવદોરી સમાન મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં પહેલી વાર છલકાયો છે. તો ધોધમાર વરસાદથી રણપ્રદેશ કચ્છના 47 જેમ ઑવરફ્લો થયા છે. કચ્છના 66 ડેમમાં 45.21 ટકા નવા નીરની આવક થઈ છે. જ્યારે અબડાસાના 19, લખપતના 11, નખત્રાણાના 10, માંડવીના 7 ડેમ ઓવરફ્લો થયા છે. આ તરફ સુરતના માંડવીનો ગોરધા ડેમ ઑવરફ્લો થયો છે. ઉમરપાડા અને માંડવી તાલુકામાં ભારે વરસાદના આવતા ડેમ ઑવરફ્લો થયો છે.

સાંબેલાધાર વરસાદથી નવસારી વાંસદા પાણી પાણી થઈ ગયું છે. સુરખાઈ-ઉનાઈ માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. વાંસદા તાલુકામાં 24 કલાકમાં સવા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે 4 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે.પાણી ભરાતા શયની એકાદશીએ ઉનાઈ માતાજીના દર્શને જતા દર્શનાર્થીઓ અટવાયા છે. તો આ તરફ સતત વરસાદથી વલસાડનું તળિયાવાડ બેટમાં ફેરવાયું છે. ઔરંગા નદીના પાણી તળિયાવાડમાં ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે. તાપીમાં મૂશળધાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે. પંચાયત હસ્તકના 23 રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.

વલસાડમાં સતત વરસાદથી ઉભી થયેલી પૂર જેવી સ્થિતિનું સતત મોનિટરિંગ સાથે વલસાડ કલેક્ટરે જણાવ્યું હતું કે, વલસાડ નગરપાલિકાની ટીમ અને મામલતદારની ટીમ નીચાણવાળા વિસ્તારોને મોનિટર કરી રહ્યા છે. લોકોને સ્થળાંતર કરવાની તમામ કાર્યવાહી કરી રહ્યા છે. આ સાથે નજીકમાં સેન્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં જમવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ ઔરંગા નદી દ્વારા તેની બંને બાજુ જે પ્રમાણે પૂરને લઈને તારાજી સર્જાય છે તેના એરિયલ ફોટોગ્રાફ બતાવે છે કે કેટલા વિસ્તારમાં નદીનું પાણી ફરી વળ્યું છે. હાલ ઓરંગા નદીથી હનુમાન ભાગડા, લીલાપોર, વેજલ પોર, બરૂડિયા વાડ, તરિયા વાડ, કાશ્મીરા નગર, જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે.
ઓરંગા નદીમાં પુર આવતા અનેક લોકો ફસાયા છે. એનડીઆરએફની ટીમે અત્યાર સુધી 70થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા છે. જ્યારે 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓરંગા નદીના પ્રવાહમાં જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અઢી કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિને સલામત બહાર કાઢવામાં આવ્યો છે. ઓરંગા નદીમાં પુર આવતા નદી કિનારા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેતી કિનારા વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે જીલ્લા કલેકટરે ટ્વીટ કરી કિનારા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત અસગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર શરુ કરવામાં આવ્યું છે.