એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના બહુધા ધારાસભ્યો સામે પડતાં ઠાકરે એન્ડ કંપની રીતસર બોખલાઇ ગઇ હોય એવું પ્રતિત થઇ રહ્યું છે. ઉદ્ધવ અને આદિત્યની સાથે સંજય રાઉત દ્વારા તદ્દન હલકી કક્ષાના નિવેદનો સાથે શિવસૈનિકો ભડકી ધાંધલ ધમાલ કરવા રોડ ઉપર ઉતરે એવી ભાષાનો પ્રયોગ કરાઇ રહ્યો છે. જાહેર સલામતી જોખમાય એવું આ કૃત્ય ઘણાં નાગરિકોને રાસ આવી રહ્યું નથી. આ મામલો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત સામે મહારાષ્ટ્રમાં જાહેર ઉપદ્રવ એટલેકે પબ્લિક ન્યૂસેન્સ સર્જવા બદલ તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા માટે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર હેમંત પાટીલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો દ્વારા બળવો કરવાના મુદ્દે ઠાકરે અને રાઉતને પ્રેસ કોન્ફરન્સ, મુસાફરી કરવા અને મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોની મુલાકાતો કરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશની પણ પણ માંગ કરી છે.
પાટીલે જણાવ્યું હતું કે રાજ્યમાં રાજકીય કટોકટી પછી અસંતુષ્ટ ધારાસભ્યો ઠાકરે અને રાઉત તરફથી ધમકીઓ મળ્યા પછી તેમના જીવનની સુરક્ષા માટે જ ગુવાહાટી ભાગી ગયા છે. પાટીલે આક્ષેપ કર્યો હતો કે શિવસેના વિધાનમંડળ પક્ષના કેડરએ બળવાખોર ધારાસભ્યો સામે મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હોવાથી બળવાખોર ધારાસભ્યો અને તેમના પરિવારોમાં ડર પેદા કરી રહ્યાં છે.
પાટીલે અરજીમાં એ પણ તર્ક આપ્યો હતો કે કેન્દ્ર સરકાર બળવાખોર ધારાસભ્યોને Y+ સુરક્ષા આપવી એ સંકેત છે કે મહારાષ્ટ્રમાં શાંતિ નથી અને ગમે તેના જીવને જોખમ છે.