સુરત: આગામી નવેમ્બર ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ તડામાર તૈયારી કરી રહ્યું છે. ઐતિહાસિક વિજયના સંકલ્પ સાથે મંત્રીઓને કુનેહ પૂર્વક જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને કામરેજ વિધાનસભાની જવાબદારી સોંપાઇ છે. સંઘવીએ શનિવારે ગલતેશ્વર મહાદેવના દર્શન કરી કામરેજ વિધાનસભાના રાજકીય પ્રવાસના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપ સંગઠનના જુના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી, સાથે જ બાળકો સાથે ક્રિકેટ રમી માહોલ બનાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે, ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કામરેજ તાલુકાની મુલાકાતે આવ્યા હતા અને ગલતેશ્વર મહાદેવના દર્શન કરી કામરેજ વિધાનસભાના રાજકીય પ્રવાસના શ્રીગણેશ કર્યા હતા. સંઘવીએ કામરેજના વિહણ ગામની મુલાકાત લીધી હતી, ત્યાં આરોગ્ય કેન્દ્ર નજીક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને જાતે સફાઈ કરી લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાદમાં તેઓએ કામરેજ ગામની મુલાકાત કરી હતી જ્યાં સેવણી ગામમાં ચાલતા શ્રી સેવણી સહકારી મંડળી અને શ્રી સેવણી ખેતી પાક રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા સંચાલિત કિસાન મુલાકાત લીધી હતી.

મલ્ટી ફેસીલીટી કિસાન મોલ : હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કામરેજના સેવણી ગામે સહકારી ધોરણે ચાલતાં મલ્ટી ફેસીલીટી કિસાન મોલ અન્ય કામો માટે પ્રેરણારૂપ બની રહેશે, ત્યાર બાદ ગૃહ પ્રધાન સેવણી ગામના રામજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ દેશોની મુલાકાત કરી મોટી સંખ્યામાં હાજર થયેલ મહિલાઓને જણાવ્યું હતું કે, દીકરીઓ પણ થતી દૂર જવાની ઘટનાઓ અને સામાજિક પ્રશ્ન છે આ બાબતે દીકરીની ટીકા કરવાને બદલે સમાજ દ્વારા તુરંત પોલીસને જાણ કરવા આગળ આવવું જોઈએ. ગુજરાત દેશનો સૌથી સુરક્ષિત રાજ્ય છે જ્યાં આ પ્રકારની એક પણ અનિચ્છનીય ઘટના ન બને એ જોવાની જવાબદારી આપણા સૌની છે.

હર્ષ સંઘવી કહ્યું ભવિષ્યમાં કોઈ આંખ ઊંચી કરતા પણ ડરશે : ગૃહ પ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, સમાજનું દૂષણ બની ગયેલા ટપોરીઓને સીધા કરવાની જવાબદારી અમારી છે. આપ સૌના સહકારથી બહેનો સામેના કિસ્સામાં ભવિષ્યમાં કોઈ આંખ ઊંચી કરતા પણ ડરશે તેવી આપ સૌને ખાતરી આપું છું. આપણા સામાજિક દુષણો દૂર કરવા માટે માતા બહેનોને આગળ આવવા માટે પણ સંઘવીએ આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે પોલીસ મથકોમાં માનવીય અભિગમ સાથે વ્યવહાર થાય, ફરિયાદમાં વિલંબ ન થાય, ઓનલાઇન ફરિયાદના વિકલ્પ ઉભા કરાયા વિગેરે અંગે વાતો પણ કરી હતી. કોરોનામાં લોકોની સેવામાં રહેલા ભાજપના કાર્યકરોને આશીર્વાદ આપી આગામી દિવસોમાં વિકાસને વેગવંતો બનાવવાનું સમર્થન માંગ્યું હતું.