સુરત : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સાથે સાથે લાજપોર સેન્ટ્રલ જેલમાં રહેલા બંદીવાનભાઇઓએ પણ આ પરિક્ષામાં ભારે સફળતાં મેળવી છે. જિંદગીની કોઇ આકરી કસોટીમાં ભલે નાપાસ થઇ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હોય પરંતુ પરિક્ષામાં તેઓ સફળ રહ્યા છે. પાસ થયેલા બંદીવાનોએ અભ્યાસ માટે સગવડ કરી આપનારા અધિકારીઓનો સહૃદય આભાર માન્યો હતો.

લાજપોર સેન્ટ્રલ જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનોજ નિનામાએ આ અંગે જણાવ્યું હતું કે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ પોતાના શિક્ષણના અધિકારથી વંચીત ન રહે એવી કાયદાકીય જોગવાઇ છે. કોર્ટના આદેશાનુસાર આ બંદીવાનોને જેલમાં જ શિક્ષણ મેળવી જેલ બહાર પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી બનાવી શકે તેવા હેતુથી આવશ્યક એવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
શિક્ષક શ્રી દેવાંગભાઇ ટંડેલના માર્ગદર્શન અને શિક્ષણ હેઠળ અત્રેની જેલના માર્ચ-એપ્રીલ ૨૦૨૨ ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા ૦૯ બંદીવાનો તેમજ ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા ૧૦ બંદીવાનોએ માર્ચ-એપ્રીલ ૨૦૨૨ માં પરીક્ષા આપી હતી. તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ ધોરણ ૧૨ નું પરીણામ જાહેર થતા અત્રેની જેલના ધોરણ ૧૨ ના તમામ બંદીવાન વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. આ રીતે લાજપોર સેન્ટ્રલ જેલનું ધોરણ ૧૨ નું ૧૦૦% પરીણામ આવ્યું છે.
જાણ્યે અજાણ્યે કે નાજુક સંજોગોમાં ગુનાઇત કૃત્ય કરી બેસેલા યુવકોનું ભવિષ્ય ન બગડે એ હેતુથી જેલમાં તેમને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. લાજપોર સેન્ટ્રલ જેલમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનોજ નિનામા, નાયબ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમોદ નરવાડે સહિતના અધિકારીઓ દ્વારા પણ આવા યુવાઓની વિશેષ કાળજી લઇ સુધારણા માટે તક અને વાતાવરણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. રમત ગમતમાં પ્રોત્સાહિત કરવા સાથે અભ્યાસ કે વાંચનમાં રુચિ હોય એવા બંદીવાનો માટે પુસ્તકોથી સમૃધ્ધ લાયબ્રેરી પણ ચલાવવામાં આવી રહી છે.