ઘરેલું ઝઘડા કે કંસાસના ઘણાં કારણો હોય શકે છે. પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં થવા ઉપરાંત પારિવારિક વાતાવરણ, શારીરિક માનસિક આર્થિક અપેક્ષાઓ, નિતિનિયમો, જીવનધોરણ આવી ઘણી બધી બાબતો અસરકર્તા જોવા મળે છે. આવા સંજોગોમાં પરિણીતા દ્વારા નોધાવાતી પોલીસમાં જે આરોપ મૂકવામાં આવે તે ઘણી વખત ખૂબ જ ચોંકાવનારા હોય છે. ઉત્તરપ્રદેશના હરદોઇમાં એક મહિલાએ કરેલી પોલીસ ફરિયાદમાં આરોપ મૂક્યો કે લગ્ન પછી ખબર પડી કે પતિ નપુંસક છે. આ બાબતે થયેલા ઝઘડામાં સસરાએ પણ તેની સાથે અશ્લીલ હરકતો કરી અને પોતે તેને શારીરિક સુખ આપશે એવી વાત કરી હતી. આ ફરિયાદમાં સંગીન બાબત એ છે કે જે સસરા ઉપર અશ્લીલતાનો આરોપ મૂકાયો છે તેઓ મધ્યપ્રદેશ પોલીસમાં ડીએસપી જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે.
મળતી માહિતી અનુસાર મૂળ અમેરિકામાં રહેતી હરદોઈ સદર કોતવાલીની એક મહિલાએ ઈન્દોરના રહેવાસી પતિ પ્રખાર મિશ્રા સહિત 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં સાસુ-સસરા સહિત ભાભી અને નણદોઇનો પણ સમાવેશ થાય છે. સસરા પવન મિશ્રા મધ્યપ્રદેશ પોલીસમાં ડીએસપી છે. પોલીસને આપેલા તહરીરમાં મહિલાએ જણાવ્યું છે કે, વર્ષ 2019માં તેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા પ્રખર મિશ્રા સાથે થઈ હતી. વર્ષ 2020માં બંનેએ હરદોઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પછી યુવતી થોડા દિવસો હરદોઈમાં રહી, પછી પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. ત્યાં તેને ખબર પડી કે, તેનો પતિ નપુંસક છે. જેના પર બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
દહેજની માંગણી સાથે માનસિક અને શારીરિક ત્રાસ: જ્યારે મહિલાએ ઈન્દોરમાં તૈનાત તેના ડીએસપી સસરાને આ અંગે ફરિયાદ કરી તો સસરાએ તેને અશ્લીલ રીતે કહ્યું કે, તેને તેના પતિ પાસેથી જે સુખ મળવું જોઈએ તે તે પોતે તેને આપશે. જ્યારે પીડિતાએ આ અંગે વાંધો ઉઠાવ્યો તો તેણે દહેજની માંગણી સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. પીડિતાએ તેના માતા-પિતાને આખી આ ઘટના વિશે જણાવ્યું.
આ પછી પીડિતા સહિત તેના પરિવારના સભ્યો ઈન્દોર પહોંચ્યા. આ દરમિયાન તેના સાસરિયાઓએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા ન હતા. થોડા સમય પછી, આરોપી સસરાએ પીડિતા અને તેના પરિવારના સભ્યોને તેની વર્દીનો રોપ બતાવીને નકલી કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું. જેના કારણે પીડિતાએ પતિ અને સસરા સહિત 5 લોકો સામે પોલીસમાં ફરિયાદ કરી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ફરિયાદ અને તેમાંય ફરિયાદી મહિલા દ્વારા કરાયેલા આક્ષેપોએ પોલીસબેડામાં ખાસ્સી ચકચાર મચાવી છે.