સુરેન્દ્રનગર : મોબાઇલ ફોન અને તેમાંય સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગે પારિવારિક જ નહીં પર્સનલ સંબંધોને પણ માઠી અસર પહોંચાડી છે. કેટલાય સંબંધો નંદવાયા છે, તો ઘણાં પરિવારોના માળા વિખેરાયા પણ છે. વ્યક્તિને વાસ્કવિક સંબંધ, જવાબદારી કરતાં વધું ફેન્ટસી વર્લ્ડ વધું આકર્ષક અને મહત્વનું લાગવા માડ્યું છે. સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમ્સ અંગે ટોકવા મુદ્દે હત્યાથી માંડી આત્મહત્યા સુધીના બનાવો દરરોજ દેશના કોઇને કોઇ ખૂણે બની રહ્યા છે. કંઇક આવો જ બનાવ સુરેન્દ્રનગરમાંથી પ્રકાશમાં આવ્યો છે.
સુરેન્દ્ર નગર શહેરની સાધના સોસાયટીમાં રહેતા પરિવારની પરિણીતાએ આપઘાત કરી લીધી છે. જેમાં પતિએ વધુ મોબાઇલનો ઉપયોગ નહીં કરવાનો ઠપકો આપતા પત્નીએ અંતિમ પગલું ભર્યું છે. પત્ની ઇન્ટાગ્રામ અને યુ ટ્યુબ ઉપર વીડિયો જોવામાં વઘું સમય વ્યતિત કરતી હોવા મુદ્દે પતિએ તેણીને ટોકી હતી. સોશિયલ મીડિયાના ઉપયોગમાં રોકટોક રાસ નહીં આવતાં તેણીએ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું કહેવાય રહ્યું છે.
સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહાર આવેલી સાધના સોસાયટીમાં રહેતા 35 વર્ષના ઝરણાબેન મનીષભાઇ દોશીએ પોતાના ઘરે કોઇ ન હતું. ત્યારે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘરે આવેલા પતિને જાણ થતા પરિવાર આઘાતમાં આવી ગયુ હતુ. ઝરણાબેનના પતિ મનિષભાઇએ પોલીસને જાણ કરીને એવી વિગતો જણાવી હતી કે, તેમની પત્ની મોબાઇલ ઉપર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ વધુ પ્રમાણમાં જોતા હતા. આથી વધુ પડતો મોબાઇલનો ઉપયોગ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. જે બાબતનું મનમાં લાગી જતા તેમણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની વધુ તપાસ જમાદાર હમીરભાઇ ચલાવી રહ્યા છે.