સુરત, તા.30 જાન્યૂઆરી…
વિદેશથી દાણચોરી કરી મંગાવાતાં આઇ ફોન તથા સ્માર્ટ વોચ બિલ વગર વેચવાનો ગોરખધંધો ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે. રાંદેર પોલીસ બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે પણ ઋષભ ટાવર સામે સંગીની મેગ્નસમાં દરોડો પાડી 238 આઇફોન અને 61 સ્માર્ટ વોચ સાથે બે યુવકની ધરપકડ કરી છે. જો કે દાણચોરીના નેટવર્કના છેડા સુધી પોલીસ પહોંચે છે કે પછી સ્મગલર્સના ખોળે બેસી મોજ કરે છે એની ઉપર શહેરની મીટ મંડાયેલી છે. આ આંતર રાષ્ટ્રીય રેકેટ મામલો કેન્દ્રની રેવન્યૂ એજન્સીઓને જાણ અને તપાસમાં સામેલ કરવા મામલે પણ પોલીસ ઢીલ દાખવી રહી હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર વિદેશથી મોબાઇલ ફોન, એરપોડ, સ્માર્ટ વોચ જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ લૂસ પેકિંગમાં મંગાવી તેને અહીં કંપની જેવા જ પેકિંગ કર્યા બાદ બીલ વગર વેચવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. વિદેશથી કાયદેસર આયાત કરવામાં આવે તો ભરવાની થતી ડ્યૂટીના કારણે આ ગેઝેટ્સની કિંમત વધી જાય છે. જો કે દાણચોરી કરી લાવવામાં આવતાં હોવાથી તે માર્કેટ પ્રાઇસ કરતાં ઘણી ઓછી કિંમતે આસાનીથી વેચી શકાય છે. આ રીતે ગોરખધંધો કરનારાઓ ભાગાતળાવથી રાંદેર વિસ્તારમાં સ્થળાંતરિત થયા છે.

આ અંગે સોસિયલ મીડિયામા પણ કેટલાક સમયથી ઉહાપોહ શરૂ થયો હતો. રાંદેર પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં ઋષભ ટાવર પહેલા માળે રાજેન્દ્ર કૃપા હેન્ડલુમ મેચિંગ સેન્ટર નામથી ભાડે દુકાન ચલાવતા (૧) ઇબ્રાહીમ યુસુફ કાપડીયા (રહે-ફ્લેટ નં-૨૦૧, સીટી સેન્ટર માર્કેટ ત્રીજા માળે એવન કોકોની બાજુમા ભાગાતળાવ) તથા (૨) મોહમદ અલી રફીક પાડેલા (રહે, રોયલ રેસીડેન્સી ખલીલ ટી-સેન્ટરની સામે રાંદેર સુર)ને અટકાયતમાં લીધા હતા. તેઓ પાસેથી આધાર પુરાવા તથા બિલ વગરના 7 લાખ કિંમતના ૩૬ આઇ ફોન ફોન મળી આવ્યા હતા.

આ જ ઋષભ ટાવર સામે સંગીની મેગ્નસ કોમ્પલેક્ષમાં મોબી કેર સર્વીસીસ નામની દુકાનમાં ક્રાઇમ બ્રાન્ચે પણ દરોડો પાડ્યો છે. અહીંથી ફઇમ ફારૂક મોતીવાલા (રહે, રૈયાન હાઇટ્સ, અડજણ ગોરાટ) તથા સઇદ ઇબ્રાહિમ પટેલ (રહે, વિભૂતિ એપાર્ટમેન્ટ, ગોલ્ડન લીફ હોસ્પિટલ સામે, નાણાવટ)ને પકડી ઓફિસની તપાસ કરાઇ હતી. જેમાં એપલ કંપનીના અલગ અલગ મોડેલના 238 આઇફોન મળ્યા હતા. 73,57,000 કિંમતના આઇફોન ઉપરાંત 17.80 લાખ કિંમતની 61 સ્માર્ટ વોચ, એક લેપટોપ, 42,400 કિંમતના 424 યુએસબી ચાર્જર, લેબલ પ્રિન્ટર, આઇફોનના 250 ખાલી બોક્સ અને મોટા જથ્થામાં સ્ટીકર મળી આવ્યા હતા. કુલ 92,25,000 કિંમતની મતા સાથે ફઇમ મોતીવાલા અને સઇદ પટેલની ધરપકડ કરાઇ હતી.

**બજાર કિમતમાં 25 ટકા ડિસ્કાઉન્ટથી વેચાણ
બિલ વગરના આઇ ફોન ઝડપી રાંદેર પોલીસે એક મોટી રેકેટની પૂછડી પર પગ મૂક્યો હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસ આ રેકેટમાં તળિયાઝાટક તપાસ કરે તો હજી મોટા કૌભાંડ અને આંતર રાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થાય એમ છે. સૂત્રોના કહેવા અનુસાર દુબઇ, હોંગકોંગ અને અમેરિકા જેવા દેશોમાથી ગોલ્ડની જેમ જ આઈ ફોન અને ઇ-સિગારેટ સ્મગલિંગ કરનાર ટોળકી કાર્યરત છે. આ ટોળકીની એક કડી ઇબ્રાહિમ કાપડિયા અને મોહમ્મદ અલી હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત સુરતમાં દૌલા અંજુમ, સરફરાઝ બાટલીવાલા, હુસેન માચીસવાલા, નિઝામ, ધ્રૂવ, શાહ તથા નવસારીમાં અસલમ અને આલોક પણ આ રેકેટ ચલાવી રહ્યા છે. વિદેશથી મંગાવાતાં આ ફોન પર ટેક્સ ભરવામાં આવતો નથી, વળી તેનું પેમેન્ટ હવાલાથી કરવામાં આવતું હોય મામલો વધું સંગીન બન્યો છે. આ ટોળકીની તપાસ કરાય તો ભારત સરકારની તિજોરીને લૂણો લગાવનારા મોટા સ્મગલર કહો કે દાણચોરોનો પર્દાફાશ થાય છે. જો કે આ કેસમાં એક ચર્ચિત હોટેલિયરના ઇશારે તપાસનું ફિંડલું વાળી દેવાની પેરવી કરાઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.