પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) T20 બેટિંગ યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, અને T20 ઈન્ટરનેશનલ વર્લ્ડ રેન્કિંગમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર નંબર વન બેટ્સમેન બનવા માટે ભારતના વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. કોહલી છેલ્લા એક દાયકામાં 1,013 દિવસ સુધી વિશ્વનો નંબર વન T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન હતો પરંતુ બાબરે તેને પાછળ છોડી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે કરાયેલી ટ્વીટમાં બાબરના રેકર્ડ કરતાં વધું તેણે કોહલીને પાછળ છોડ્યો એને વધું મહત્વ અપાયાનું પ્રતિત થાય છે.
આઇસીસી દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગ અનુસાર અન્ય બેટ્સમેનોમાં ભારતના ઈશાન કિશનને બે સ્થાનનું નુકસાન થયું છે પરંતુ દીપક હુડા અને સંજુ સેમસને આયર્લેન્ડ સામેની બીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે રેન્કિંગમાં છલાંગ લગાવી છે. આયર્લેન્ડ સામે બે T20Iમાં 26 અને ત્રણ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન કિશન 7માં સ્થાને સરકી ગયો છે. પ્રથમ મેચમાં 47 રન બનાવનાર હુડ્ડાએ બીજી મેચમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારી ભારતને 414 રનની જંગી છલાંગ લગાવીને 104માં સ્થાને પહોચીને ચાર રને વિજય મેળવ્યો હતો. બીજી ટી20માં 77 રન બનાવનાર સેમસન પણ 144મા સ્થાને પહોંચી ગયો છે.
ભારત સામે 39 અને અણનમ 64 રન બનાવનાર આયર્લેન્ડના હેરી ટેક્ટર પણ 55 સ્થાન આગળ વધીને 66માં સ્થાને છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બે T20 શ્રેણી બાદ રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું છે. બોલરોની યાદીમાં ભારતનો ઝડપી બોલર હર્ષલ પટેલ 37માથી 33મા ક્રમે પહોંચી ગયો છે જ્યારે આયર્લેન્ડનો માર્ક એડેર જે અગાઉ 45મા ક્રમે હતો તે હવે 43મા ક્રમે છે. જો રૂટ ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન યથાવત છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડની ઘરઆંગણે શ્રેણી સમાપ્ત થયા બાદ અન્ય ખેલાડીઓની રેન્કિંગમાં ઘણો બદલાવ આવ્યો છે.
ઇંગ્લેન્ડના સ્પિનર જેક લીચ સિવાય ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરીલ મિશેલ અને ટોમ બ્લંડેલે લીડ્ઝમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. સિરીઝની ત્રણેય ટેસ્ટમાં સદી ફટકારનાર મિશેલ અને બ્લંડેલ હવે ટોપ 20 બેટ્સમેનોમાં સામેલ છે. 109 અને 56 રન બનાવનાર મિશેલ ચાર સ્થાનનો ફાયદો ઉઠાવીને 12માં સ્થાને છે જ્યારે બ્લંડેલ, જેણે 55 અને 88 અણનમ રન બનાવ્યા છે તે 11 સ્થાનના ફાયદા સાથે 20મા ક્રમે છે. ત્રીજી ટેસ્ટમાં 162 અને અણનમ 71 રન બનાવનાર ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેરસ્ટો 20 સ્થાનના ફાયદા સાથે 21મા ક્રમે પહોંચી ગયો છે. બીજી ઈનિંગમાં 82 રન બનાવનાર ઓલી પોપ ત્રીજા સ્થાનનો ફાયદો ઉઠાવીને 49માં સ્થાને છે.