અલરોઝા પર પ્રતિબંધ બાદ સુરતમાં રફની અછતને ઓછું કરી શકાય તે હેતુથી ઇંડિયા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર રફ હિરાના સ્ત્રોત માટે દ. આફ્રિકા અને મધ્ય આફ્રિકામાં નાની ડાયમંડ માઇન્સની શોધ કરી રહી છે. આ નાની માઇન્સ એન્ટવર્પ અને દુબઈમાં બોનાસ-કુઝીન અને આઈ હેનીગ જેવા માન્ય હીરાની હરાજી ટ્રેડિંગ હાઉસ દ્વારા તેમના હીરાનું વેચાણ કરે છે.
ઈન્ડિયા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટરે વાણિજ્ય મંત્રાલયને પત્ર લખ્યો છે કે આ હરાજી ટ્રેડિંગ હાઉસને ભારતમાં ટ્રેડિંગ સેશનમાં ભાગ લેવાની મંજૂરી આપે જેથી નાના અને મધ્યમ હીરાના નિકાસકારો આ હીરા સુધી પહોંચી શકે અને તેમની સપ્લાય લાઇનમાં વધારો કરી શકે. આઇડીટીસીના ડિરેક્ટર અનૂપ મહેતાએ જણાવ્યું હતું કે, રફ હીરાની સપ્લાય બાજુને વ્યાપક બનાવવાનો વિચાર છે. વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અલરોઝા જેવી મોટી કંપની પાસેથી હીરાનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થઇ ગયો છે ત્યારે તે વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.