મારી મોટી બહેનને મારી નાખ તો તારી સાથે લગ્ન કરું’, સાળીએ તેના બનેવીને કહેલા આ શબ્દોથી એક ખૂની ખેલ ખેલાયો હતો. રાજકોટના વીંછિયા તાલુકામાં પતિએ સાળીને પામવા માટે એઇડ્સગ્રસ્ત પત્નીની કરેલી ઘાતકી હત્યાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસની પૂછપરછમાં પતિએ લૂલો બચાવ કર્યો હતો કે એઇડ્સગ્રસ્ત પત્નીએ જ પતિને બહેન સાથે સંબંધ રાખવાની મંજૂરી આપી હતી.
મળતી માહિતી અનુસાર વીંછિયાના છાસિયા ગામે ખેતી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં પાંચ દીકરી અને એક દીકરો હતો, જેમાંથી ત્રીજા નંબરની દીકરી રજુ ઉર્ફે રંજનબેનના લગ્ન આજથી 6 વર્ષ પહેલાં દડલી ગામે રહેતા રાજેશ ઓળકિયા સાથે થયા હતા. રાજેશ દૂધનું વાહન ચલાવે છે. દંપતીને સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે. દોઢેક મહિના પહેલાં રાજેશ ઓળકિયા પત્ની રંજનબેનને બાઈક પર બેસાડી નીકળ્યો હતો. પ્લાન મુજબ ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં બાઇક ઊભું રાખ્યું, જ્યાં મોબાઇલ ચાર્જરના વાયરથી ટૂંપો દઈને રંજનબેનનું ગળું દબાવી દીધું હતું. બાદમાં લાશ પર પથ્થરો મૂકીને ઢાંકી દીધી હતી. એટલું જ નહીં, પછી જાતે પત્ની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જોકે આ કેસમાં પોલીસ તપાસ સામે અસંતોષ વ્યક્ત કરી પરિવારે ધરણાં કરી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. આ વિવાદને પગલે ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં પોલીસને શકમંદ પતિ રાજેશ પર શંકા જતાં તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી. એમાં પતિ રાજેશ ભાંગી પડ્યો હતો અને તેણે હત્યા કર્યાનું કબૂલ કર્યું હતું. પોલીસે કહ્યું હતું, ‘શરૂઆતમાં રાજેશ એવું જ કહેતો કે મારી ઘરવાળી ક્યાં ગઈ છે એ મને ખબર જ નથી. અગાઉ તેની સાળી બિન્દુ ગુમ થઇ હતી ત્યારે પણ તેને વારંવાર પૂછપરછ કરવા છતાં તે એવું જ કહેતો કે મારી સાળી ક્યાં છે, મને ખબર નથી. એ વખતે બિન્દુની કોલ ડિટેઇલ કાઢતાં રાજેશે તેને ભગાડી ગયાનું ખૂલ્યું હતું, જેથી રાજેશ પત્નીના ગુમ થવાના કેસમાં પણ ખોટું બોલતો હોવાની શંકા મજબૂત થઈ હતી.

પોલીસે વધુમાં કહ્યું હતું કે અગાઉ એકવાર ભાગીને પાછા આવી ગયા છતાં બિન્દુ અને બનેવી વચ્ચેનો પ્રેમસંબંધ પૂરો થયો નહોતો. તેઓ સતત એકબીજા સાથે સંપર્કમાં હતાં. બિન્દુ પોતાના જીજાને એવું કહેતી, ‘મારી બેનને મારી નાખ તો હું તારા ઘરમાં બેસી જાઉં.’ બંનેની ટેલિફોન પર વાત થતી હતી. આ અંગેના CDR પણ પોલીસે મેળવ્યા હતાં.
હત્યાના દિવસના ઘટનાક્રમ અંગે પોલીસે કહ્યું હતું કે એ આખો જંગલ (સીમ) વિસ્તાર છે. તેની આસપાસ બિન્દુની ફોઈની વાડી આવેલી છે. એ રસ્તે રાજેશ અવારનવાર જતો હોવાથી તે ભૂગોળ કહો કે સ્થળ સ્થિતિથી પરિચિત હતો. સાળી બિન્દુ પણ એ વખતે તેની ફોઈની વાડીએ રહેતી હતી. એ દિવસે પણ રાજેશે પત્નીને ફોઈની વાડીએ બિન્દુને મળવા જવાનું છે એમ કહી સાથે આવવા તૈયાર કરી હતી. બપોરે સાડાત્રણ વાગ્યે રાજેશ પત્ની રંજનબેનને ઘરેથી લઈને બાઈક પર નીકળ્યો હતો.
રસ્તામાં દીપડા પાડા વિસ્તાર આવ્યો, એ ડુંગરાળ વિસ્તારમાં બાઇક ઊભું રાખ્યું ને પતિએ પત્નીને કહ્યું, ‘હમણાં બિન્દુ આવશે, આપણે અહીં બેસીએ, વાડીએ જવું નથી.’ આ સ્થળે રંજન આગળ બેઠી હતી અને રાજેશ પાછળ બેઠો હતો. રંજનને વાતોમાં પરોવી રાજેશે ખિસ્સામાંથી મોબાઇલ ચાર્જરનો કેબલ કાઢ્યો અને રંજનના ગળામાં વીંટાળીને ગળું દબાવી દીધું હતું. રંજન બચાવ માટે તરફડી પણ તે છૂટી શકી ન હતી. રાજેશ ત્યાંથી લાશને થોડી ઢસડીને ધક્કો માર્યો હતો. લાશ ખાડામાં જતી રહી હતી. પછી ખાડામાં લાશ ઉપર પથ્થરો મૂકી દાટી દીધી હતી. હત્યાંનું સ્થળ સાવ અવાવરૂ છે. ત્યાં સામાન્ય દિવસોમાં કોઈ જતું નથી. પોલીસ રાજેશને લઇ એ સ્થળે પહોંચી અને રંજનનો મૃતદેહ શોધ્યો હતો.
પોલીસે એવું પણ કહ્યું હતું કે આરોપીએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેની ઘરવાળીએ જ તેને સાળી સાથે સંબંધ રાખે તો વાંધો ન હોવાનું કહ્યું હતું. તો પછી રાજેશે તેની પત્ની રંજનની કેમ હત્યા કરી? એ સવાલના જવાબમાં પોલીસે કહ્યું કે રાજેશે એવી કબૂલાત આપી છે કે તે મને નહોતી ગમતી. સાળીને ઘરમાં બેસાડવી હતી. જો કે રાજેશના આ નિવેદન અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે.