ગાંધીનગરઃ ગુજરાતીઓ હરવા ફરવા અને ખાવાની બાબતે સૌથી આગળ રહે છે. હવે આ ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર દીવમાંથી સામે આવ્યા છે. અહીં જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માએ એક આદેશ આપીને દીવના દરિયામાં નહાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કલેક્ટરે આવો આદેશ ચોમાસાને ધ્યાનમાં રાખીને આપ્યો છે, કેમ કે હાલમાં દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાઇ શકે છે.
દીવના જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માએ આદેશમાં કહેવાયુ છે કે, તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તથા સ્થાનિકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમને પોતાના આદેશમાં કહ્યું છે કે લોકો-પર્યાટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ દરિયામાં નહાવા જઇ શકશે નહીં. એટલુ જ નહીં કલેક્ટરના આદેશ બાદ પોલીસે ત્યાં કલમ 144 લાગુ કરી દીધી છે. ફોરમન બ્રહ્માએ કહ્યું કે, હાલમાં ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.