મેઘરાજાએ પહેલા રાઉન્ડમાં જ જોરદાર બેટિંગ કરી છે. મુંબઇથી સુરત સુધી જુઓ તો સર્વત્ર પાણી જ પાણી નજરે ચઢે એવો નજારો છે. મોટા ભાગની નદીઓ કાંઠા વિસ્તારને પોતાનામાં સમેટીને વહી રહી છે. શહેરી વિસ્તારોમાં પણ ઠેરઠેર પાણી ભરાયા છે. આવી સ્થિતિમાં રોગચાળો અને તેમાંય લેપ્ટોસ્પાઇરોસિસના કેસ વધવાની આશંકા તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. લેપ્ટોસ્પાઇરોસિસ એ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે. આ સંક્રમણ ઉંદર, કૂતરા અને ઢોરના પેશાબ મારફત ફેલાય છે.
મુંબઇ, સાયન હૉસ્પિટલના પ્રોફેસર અને એચઓડી ઑફ મેડિસિન ડૉ. નીતિન કર્ણિકે જણાવ્યું હતું કે ‘ઝાડા અને તાવ આવવાની ફરિયાદો વધી ગઈ છે. સામાન્ય રીતે લોકોની આંખ લાલ થઈ જાય છે, તાવ આવે છે અને કળતર થાય છે. તો વળી કેટલાક કમળાનો ભોગ બને છે. લેપ્ટોસ્પાઇરોસિસના કેટલાક દરદીઓએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ પણ કરી છે. પાણીમાં ચાલવું પડ્યું હોય અને ઉપરનાં લક્ષણો જણાય તો તરત ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.’
સંક્રમિત પશુઓના પેશાબ સાથેના સીધા સંપર્કમાં આવવાથી અથવા તો એ પેશાબથી દૂષિત પાણી, માટી કે ખોરાકને કારણે લેપ્ટોસ્પાઇરોસિસ થઈ શકે છે. આ બૅક્ટેરિયા ખુલ્લા જખમ કે નાક, મોં કે ગુપ્તાંગ વાટે શરીરમાં પ્રવેશ કરી શકે છે. વરસાદને કારણે ઘણા માર્ગો પર પાણી ભરાયેલાં હોવાથી આ બૅક્ટેરિયાથી સંક્રમિત થવાનું જોખમ વધ્યું છે. આ વર્ષે અત્યાર સુધી મુંબઈમાં લેપ્ટોસ્પાઇરોસિસ ઇન્ફેક્શનના ૪૦ કેસ નોંધાયા છે. ગયા વર્ષે ૨૨૪ લોકો એનો ભોગ બન્યા હતા અને છ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
મુંબઇ કૉર્પોરેશનનાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે ‘આ બીમારી સારવાર લેવાથી અને સમયસર નિદાનથી મટી જાય છે. જો તમારે પાણીમાં ચાલીને આવવું પડ્યું હોય તો હાથ અને પગ બરાબર ધોઈ લેવા જોઈએ. સાથે જ પાલતુ પશુઓ અને ઢોરઢાંખરને રસી મુકાવવી જોઈએ અને તેમનાં મળ-મૂત્રના સીધા સંપર્કમાં આવવાથી દૂર રહેવું જોઈએ.’
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દર વરસે ચોમાસાાં લેપ્ટોસ્પાયરોસીસના કેસીસમાં અસાધારણ ઉછાળો નોંધાતો હોય છે. વિશેષ કરીને ખેત મજૂરો તેનો ભોગ બનતાં જોવા મળે છે. આ વખતે સર્વત્ર પુરની સ્થિતિ છે. લોકો વરસાદી માહોલ અને ભરાયેલા પાણીની મોજ માણતાં જોવા મળી રહ્યા છે. જો કે ખૂલ્લી જગ્યાઓ, ખેતરોમાંથી વહી આવતાં આ પાણીના કારણે લેપ્ટોસ્પાઇરોસિસ થઈ શકે છે. લેપ્ટો.ના આ બૅક્ટેરિયા સામાન્ય રીતે ખુલ્લા જખમ કે નાક, મોં કે ગુપ્તાંગ વાટે શરીરમાં પ્રવેશ કરતાં હોય છે. વરસાદી પાણીની મોજ માણ્યા બાદ શરીરને કાળજી પૂર્વક સ્વચ્છ કરવાથી આ જોખમ ટાળી શકાતું હોવાનું પણ તબીબોનું કહેવું છે.