ભાવનગર : ભાવનગર શહેરના નવાબંદર રોડ પર બુધવારે પરોઢિયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કારમાં સવાર ચાર યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્વીફ્ટ કારના ફુરચા ઉડી ગયા હતા અને ચારેય યુવાનોની લાશો કારમાં ફસાઇ ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ઘણી મહેનત બાદ મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરનો નવાબંદર રોડ કે જે સતત ટ્રક અને ડમ્પરથી ધમધમતો હોય છે. નવાબંદર પોર્ટ પરથી કોલસો અને નજીક આવેલા મીઠાના અગરોમાંથી મીઠું વગરે ભરીને આવતા જતા ટ્રકો અહીં મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે એક સ્વીફ્ટ કારમાં ચાર લોકો નવાબંદરથી ભાવનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે સાંઢીયા ફાટક નજીક સામેથી આવી રહેલા ડમ્પર સાથે કારની જોરદાર ટક્કર થતા કારના ફુરચા ઉડી ગયા હતા અને કારમાં સવાર ભાવનગરના કપરા વિસ્તારના ચાર યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ લોકોને થતા લોકોના ટોળા ત્યાં દોડી ગયા હતા તેમજ તંત્રનો સ્ટાફ અને પોલીસ કાફલો પણ ત્યાં દોડી ગયો હતો.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ચારેય યુવાનોની લાશ કારમાં ફસાઇ ગઈ હતી જેને તંત્રના સ્ટાફે ભારે મહેનતે બહાર કાઢી હતી. બનાવને પગલે મૃતકોના પરિજનો પણ ત્યાં દોડી ગયા હતા અને કલ્પાંત કરી મુક્યો હતો. જયારે પોલીસે તમામ ચારેય મૃતકો ધર્મેશ ભનાભાઈ ચૌહાણ, હરેશ જેન્તીભાઈ રાઠોડ, ધર્મેશ ભુપતભાઈ પરમાર અને રાહુલ ચંદુભાઈ રાઠોડની લાશને PM માટે મોકલી આપી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી. જયારે આ બનાવના પગલે એફ.એસ.સેલની ટીમ પણ ત્યાં પહોચી હતી અને જે પ્રમાણે પ્રાથમિક જાણકારી મળી છે તે મુજબ કાર ચાલક ફૂલ સ્પીડમાં હોય અને કાર પરનો કાબુ ગુમાવતા કાર સૌપ્રથમ રોડની બાજુમાં પસાર થતા રેલ્વે ટ્રેક નજીકના ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાય હોવાનું અનુમાન કર્યું હતું.
જોકે, પોલીસે ડમ્પર ચાલકને ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે. જેમાં અકસ્માતની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ બનાવની એક કરુણતા એ પણ રહી કે, જેમાં મૃતકો પૈકી બે સગા સાઢુભાઈ હોય બે બહેનોના પરિવારનો માળો એક સાથે વિખેરાય ગયો હતો. જયારે કપરા વિસ્તારમાં આ બનાવના પગલે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.