ગાંધીનગર : ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપનો રોડ ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે ઓળખાશે તેવી ગઈકાલે ગાંધીનગર મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી, જો કે ગણતરીના કલાકોમાં જ આ નિર્ણય બદલવો પડ્યો હતો. હીરાબાના 100માં જન્મ દિવસના ઉત્સાહના અતિરેક્તમાં મેયર તેમની સત્તાનો દાયરો વિસરી ગયા અને આ નિર્ણય જાહેર કરી દીધો હતો. પરંતુ વાસ્તવિકતાં ધ્યાને લાવવામાં આવી ત્યારે તેમણે નિર્ણય મોકૂફ રાખવો પડયો હતો.
પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આવતીકાલ 18 જૂને જન્મદિવસ છે. હીરાબા શતાયુ એટલે કે 100 વર્ષ થઈ રહ્યા છે. આ પ્રસંગે અનેકવિધ આયોજનો કરાયા છે. ઉત્સાહીત કાર્યકરો આ અવસરને તહેવારની જેમ ઉજવવા તલપાપડ થઇ રહ્યા છે. પીએમ મોદી પણ ગુજરાતમાં છે. તેમનો માતા સાથેનો નાતો અનેરો છે. તેથી તેઓ આવતીકાલે માતા હીરાબા સાથે મુલાકાત કરી શકે છે. પીએમ મોદી માતાની 100 મી વર્ષગાંઠ મનાવી શકે છે અને તેમના આશીર્વાદ લેશે. જોકે, આ પહેલા ગાંધીનગરના એક રોડને હીરાબાનુ નામ અપાયું છે. ગઈકાલે ગાંધીનગર મનપા દ્વારા તેની જાહેરાત કરવામા આવી હતી, પરંતુ હાલ આ રોડને હીરા બાનુ નામ આપવાનુ મોકૂફ રાખવામાં આવ્યુ છે.
બુધવારે રાયસણ ગામના રસ્તાને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ આપવાની જાહેરાત ગાંધીનગરના મેયર દ્વારા કરવામાં આવી હતી. જોકે ઉત્સાહમાં આવી ગયેલા મૅયર ભૂલી ગયા હતા કે રસ્તાઓનાં નામ પાડવાની ગાંધીનગર મહાનગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી. બીજુ એ કે, જે રસ્તાને હીરાબાનુ નામ આપવામા આવ્યુ છે, તે ગાંધીનગર પાલિકા હેઠળ આવતો પણ નથી. જ્યારે ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, જમીનની માલિકી સરકારના હસ્તક રહેશે, અને એટલે મનપા પાસે જમીનની માલિકી નથી. શહેરમાં મુખ્ય રસ્તાઓ હાલ પણ પાટનગર યોજના વિભાગ હસ્તક છે. જ્યારે આંતરિક માર્ગો મનપાને માત્ર જાળવણી માટે જ સોંપાયા છે. તેથી રોડને નામ પાડવાની સત્તા ગાંધીનગર પાલિકામા નથી આવતી.