ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝનો અંત બાદ ક્રિકેટ ચાહકો ચોંકી ઉઠ્યા છે. એક જ દિવસમાં, વિશ્વ ક્રિકેટના ત્રણ મોટા નામોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અથવા કોઈપણ એક ફોર્મેટમાંથી વિદાય લેવાની જાહેરાત કરી. બેન સ્ટોક્સ, લેન્ડલ સિમન્સ, દિનેશ રામદીને આ જાહેરાતથી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સુકાની બનેલા બેન સ્ટોક્સે માત્ર પોતાની ટીમને જ નહીં પરંતુ ફેન્સને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. થોડા દિવસો પહેલા બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ મળી હતી, તેના નેતૃત્વમાં ટીમ જીતી રહી હતી. અહીં વનડેમાં પણ તે એક મોટો ખેલાડી છે, પરંતુ અચાનક વનડેમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય દરેકની અપેક્ષાઓથી પર હતો.
બેન સ્ટોક્સે કુલ 104 ODI રમી જેમાં 2919 રન અને 3 સદી સામેલ છે. બેન સ્ટોક્સની સરેરાશ 40ની આસપાસ છે, જ્યારે તેણે 74 વિકેટ પણ લીધી છે. બેન સ્ટોક્સે પોતાના નિવૃત્તિના નિવેદનમાં લખ્યું છે કે આજના સમયમાં ત્રણેય ફોર્મેટમાં રમવું શક્ય નથી.
ભારતે હજુ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI-T20 શ્રેણી રમવાની છે, પરંતુ તે પહેલા બે મોટા સ્ટાર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન રહી ચૂકેલા લેન્ડલ સિમોન્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી હતી.
લેન્ડલ સિમોન્સે 68 વનડેમાં 1958 રન બનાવ્યા જેમાં 2 સદી સામેલ છે. તેની બેટિંગ એવરેજ 31.58 હતી. લેન્ડલ સિમોન્સે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની ક્ષમતા બતાવી હતી. સિમોન્સના આઈપીએલમાં 29 મેચમાં 1079 રન છે.
લેન્ડલ સિમોન્સ ઉપરાંત દિનેશ રામદીને પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. 37 વર્ષીય દિનેશ રામદીને વેસ્ટ ઈન્ડિઝ માટે 74 ટેસ્ટ, 139 વનડે અને 71 ટી-20 મેચ રમી છે. જેમાં 2898 ટેસ્ટ રન, 2200 ODI રન અને 636 T20 રન સામેલ છે. દિનેશ રામદીન લાંબા સમય સુધી વેસ્ટ ઈન્ડિઝનો વિકેટકીપર હતો, તમામ ફોર્મેટમાં તેના નામે 400 થી વધુ કેચ હતા.