ઋષભ પંતની શાનદાર સદી અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી 2-1થી જીતવામાં મદદ મળી. માન્ચેસ્ટરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં યજમાન ટીમે ભારત સામે 260 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતીય ટીમે આ લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા સામે 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઋષભ પંતની શાનદાર સદી અને હાર્દિક પંડ્યાની વિસ્ફોટક ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ભારતીય ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં ટી-20 બાદ વન-ડે શ્રેણી પણ 2-1થી જીતી હતી. પંત મેન ઓફ ધ મેચ અને પંડ્યાને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો.

ઋષભ પંતે નિર્ણાયક મેચમાં સદી ફટકારી હતી જ્યારે ભારતે 38 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ વિકેટકીપર બેટ્સમેનની વન-ડે કારકિર્દીની પ્રથમ સદી છે. પંતે 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પંત સદી ફટકારીને અટક્યો ન હતો, પરંતુ ટીમને વિજય અપાવીને જ પેવેલિયન પરત ફર્યો હતો. પંત 113 બોલમાં 125 રન બનાવીને અણનમ રહ્યો હતો. સદી ફટકાર્યા બાદ તેણે છેલ્લા 7 બોલમાં છ ચોગ્ગા ફટકારીને 25 રન બનાવ્યા હતા.
પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને 1990માં ઈંગ્લેન્ડમાં પ્રથમ વન-ડે સિરીઝ જીતવાનું પરાક્રમ કર્યું હતું. ત્યારે બે મેચની વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 2-0થી જીત મેળવી હતી. જે બાદ વર્ષ 2014માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચોની શ્રેણીમાં 3-1થી હરાવ્યું હતું. રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત શ્રેણી જીતી છે. કેપ્ટન બન્યા બાદ રોહિતે 16 વન-ડેમાં 13 મેચ જીતી છે.

અગાઉ ઇજાગ્રસ્ત રોહિતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી, જોકે પ્રથમ બેટિંગ કરતા ટીમે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની છેલ્લી નવમાંથી આઠ મેચ જીતી છે. બટલર પ્રથમ બેટિંગ કરીને ખુશ હતો અને બુમરાહની ગેરહાજરી યજમાન ટીમ માટે સારા સમાચાર હતા. પરંતુ તેને ક્યાં ખબર હતી કે વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંના એક બુમરાહની ગેરહાજરીમાં પણ વિપક્ષી ટીમ તેની ઇનિંગ્સમાં આટલી વહેલી વિકેટો લેશે અને તે પણ બેટ્સમેનોને અનુકૂળ પીચ પર. જસપ્રિત બુમરાહની જગ્યાએ રમી રહેલા મોહમ્મદ સિરાજે દિવસની રમતના ત્રીજા બોલમાં જોની બેરસ્ટોની વિકેટ લીધી હતી, ત્યારબાદ સિરાજે જો રૂટની વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના ખેલાડીએ તેના આઉટગોઇંગ બોલ પર બેટને સ્પર્શ કર્યો અને બીજી સ્લિપ પર ઉભેલા કેપ્ટન રોહિત શર્માએ તેનો કેચ પકડ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડના ફોર્મમાં ચાલી રહેલા બે બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા હતા અને બીજી ઓવરમાં 12 રનમાં બે વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

ત્યારબાદ રોય અને સ્ટોક્સે સાવચેતીપૂર્વક ઇનિંગ્સ રમી હતી પરંતુ બંને વચ્ચે 54 રનની ભાગીદારી સર્જાયા બાદ હાર્દિકે તેનો અંત લાવ્યો હતો. હાર્દિકે લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરતાં રોયને વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડે 66 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિકે પોતાના છેડેથી દબાણ જાળવી રાખ્યું અને ટૂંક સમયમાં જ તેણે પોતાના જ બોલ પર ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટનનો કેચ પકડી લીધો. તેણે મેડન ઓવરમાં તેની બીજી વિકેટ લીધી હતી.
ટીમ ઇન્ડિયા ચુસ્તપણે બોલિંગ કરી રહી હતી જેથી રોયના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડ સાત ઓવરમાં માત્ર 16 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડના કેપ્ટને તે દરમિયાન લોંગ-ઓન પર યુઝવેન્દ્ર ચહલ (60 રનમાં 3 વિકેટ) પર સિક્સ ફટકારી હતી જ્યારે મોઈન અલીએ (34) સિરાજની બોલ પર સિક્સ ફટકારી હતી. આ પછી બંનેએ ફરી એ જ ક્રમમાં છ છગ્ગા ફટકાર્યા. રવિન્દ્ર જાડેજાએ મોઈનને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ ભારતીય ઓલરાઉન્ડરે ડીપ સ્ક્વેર લેગ પરથી દોડતી વખતે શાનદાર કેચ પણ લીધો હતો.