દુનિયા મંદીના ભયમાં જીવી રહી છે પરંતુ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સકારાત્મક વલણ દર્શાવ્યું છે. નિષ્ણાતો કહે છે કે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુરેશિયા ગ્રુપે એક રિપોર્ટમાં કહ્યું છે કે ભારત આવનારા સમયમાં એક મહાસત્તા તરીકે ઉભરવા જઈ રહ્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે.
યુરેશિયા ગૃપનું કહેવું છે કે વિશ્વના ત્રીજા ધ્રુવ તરીકે ઉભરી રહેલા ભારત માટે વર્ષ ૨૦૨૩ યાદ રહેશે. ભારતનો ઉદય તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી શક્તિ આપશે. અમેરિકા-ચીનની અલગતા અને ચીન પર નિર્ભરતા ઘટાડવાના વિશ્વના પ્રયાસોથી ભારતને ફાયદો થશે.

વિશ્વના ત્રીજા ધ્રુવ તરીકે ઉભરી રહેલા ભારત માટે ૨૦૨૩ યાદગાર વર્ષ રહેશે. આ વર્ષ કદાચ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે ભારતના ઉદભવ માટે યાદ કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ગયા વર્ષે ચીનની વસ્તી ૧.૪૨૬ અબજ હતી જ્યારે ભારતની વસ્તી ૧.૪૧૭ અબજ હતી. જુલાઈમાં, યુનાઈટેડ નેશન્સે અનુમાન લગાવ્યું હતું કે ભારત ૨૦૨૩ માં વસ્તીના સંદર્ભમાં ચીનને પાછળ છોડી દેશે.
સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ, ૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી ૧.૬ અબજ થશે જ્યારે ચીનની વસ્તી ૧.૩ અબજ હશે. વધતી જતી કાર્યકારી વયની વસ્તી આર્થિક વૃદ્ધિનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, તેથી ભારતનો ઉદય તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી શક્તિ આપશે. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચે અલગ થવાથી પણ ભારતને ફાયદો થશે. વિશ્વભરની કંપનીઓ ચીન પરની તેમની નિર્ભરતા ઓછી કરી રહી છે. આનો સીધો ફાયદો ભારતને પણ મળશે.

આ વર્ષે ભારત જી-૨૦ની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. સરકાર ૨૦૨૪માં ભારતમાં થનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા તેનું નેતૃત્વ બતાવવા માટે આતુર હશે. નવું વર્ષ ત્રિધ્રુવીય વિશ્વની શરૂઆત દર્શાવે છે. જેમાં અમેરિકા, ચીન અને ભારતનો સમાવેશ થાય છે. દુનિયાની ઘણી ટેક કંપનીઓ પોતાનો બિઝનેસ ચીનથી ભારતમાં શિફ્ટ કરી રહી છે.
જોકે, જીડીપી અડધી સદીની નીચી સપાટીએ રહેવાનો અંદાજ હોવાથી ભારતના અર્થતંત્ર માટે પડકારો વધી રહ્યા છે. એક અનુમાન છે કે સતત બે વર્ષ સુધી મજબૂત વૃદ્ધિ પછી ખરૂ૨૪માં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૨ ટકા થશે. જો કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૮ ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે, પરંતુ ૨૦૨૩-૨૪માં તે ૬.૧ ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે. બીજી તરફ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું કે આ વર્ષે એટલે કે ૨૦૨૩માં વિશ્વના એક તૃતીયાંશ દેશો મંદીની ઝપેટમાં આવી જશે.