પટના પોલીસે એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજધાની પટનાના ફુલવારીશરીફ વિસ્તારમાં દેશના અનેક રાજ્યોના યુવાનોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ તાલીમનો હેતુ 2047માં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે રાત્રે આ કાર્યવાહી કરી હતી, પરંતુ બુધવારે સાંજે મીડિયાને માહિતી આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત મંગળવારે બિહારના પટના પ્રવાસે હતાં. વડાપ્રધાનના આ પ્રવાસને લઇ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી. શંકાસ્પદ વ્યક્તિ અને ગતિવિધિઓ ઉપર વોચ ગોઠવાઇ હતી. આ દરમિયાન ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે પટનામાં પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) દ્વારા યુવાનોને હથિયારોની તાલીમ આપવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પટના પોલીસે ફુલવારીશરીફના નયા ટોલા વિસ્તારમાં પીએફઆઈની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક મોહમ્મદ જલાલુદ્દીન ઝારખંડનો રહેવાસી છે. તેઓ નિવૃત્ત ઇન્સ્પેક્ટર છે. આ સાથે અતહર પરવેઝની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મોટા પાયે ગુનાહિત દસ્તાવેજો મળ્યા છે. તેમાં PFI ના મિશન-2047 ના ગોપનીય દસ્તાવેજો પણ છે.
ફુલવારીશરીફના એએસપી મનીષ કુમારે બુધવારે જણાવ્યું હતું કે નયા ટોલાના અહેમદ પેલેસમાં કેટલાક લોકોના દેશ વિરોધી ષડયંત્રમાં સામેલ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. અમને જાણવા મળ્યું કે ત્યાં બે મહિનાથી શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી છે. તેના આધારે અમે 11 જુલાઈની રાત્રે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અમને ઘણા દસ્તાવેજો મળ્યા હતા. જેમાં મિશન-2047ના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. જેમાં 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની માહિતી મળી હતી. આમાં જ દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો છે. આ દસ્તાવેજમાં મુસલમાનોને દેશ વિરુદ્ધ એકજૂટ કરવાની વાત કહેવામાં આવી હતી.
ASPએ જણાવ્યું કે અતહર પરવેઝ અને મોહમ્મદ જલાલુદ્દીન ચોક્કસપણે આ બેઠકોમાં રહેતા હતા. 6-7 અને જુલાઈના રોજ દેશભરમાંથી મોટી સંખ્યામાં યુવાનોને તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા. આ યુવાનોમાં મોટાભાગના પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, ઝારખંડ, ઉત્તર પ્રદેશના હતા. તેમને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે માર્શલ આર્ટની તાલીમ પણ આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલો અતહર પ્રતિબંધિત સંગઠન સિમીનો સભ્ય પણ છે. મનીષ કુમારે જણાવ્યું કે અતહર પરવેઝ SDFI (સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા) નામનું સંગઠન બનાવીને આ ટ્રેનિંગ ચલાવી રહ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓને વિદેશમાંથી પણ ફંડ અપાયું હતું.