વુમન્સ પ્રીમિયર લીગનો પહેલો મેગા ઓક્શન સોમવારે સંપન્ન થયો. આ મેગા ઓક્શનમાં કુલ પાંચ ટીમોએ આશરે 60 કરોડ ખર્ચી 87 ખેલાડીઓની ખરીદી કરી હતી. હાલ ક્રિકેટ જગતમાં ઘણી વુમન્સ ક્રિકેટ લીગ ચાલી રહી છે, પણ ક્રિકેટ ચાહકો ભારતમાં યોજાનાર વુમન્સ પ્રીમિયર લીગની રાહ જોઈ રહ્યા હતા. ભારતમાં ક્રિકેટ માટે લોકોમાં કંઇક અલગ જ દીવાનગી જોવા મળે છે. ભારતના ક્રિકેટ માર્કેટમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થતો હોય છે.
કંઈક આવો જ વરસાદ વુમન્સ ક્રિકેટ લીગમાં પણ જોવા મળ્યો હતો. આ ઓક્શનમાં પણ મહિલા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો અને કેટલાંક ખેલાડીઓએ તો પુરુષ ક્રિકેટરોને પણ પાછળ છોડી દીધા છે. ઈન્ડિયન ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ દરેક ખેલાડીને પછાડી દીધી છે. સ્મૃતિ મંધાનાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 3.40 કરોડમાં ખરીદી હતી. આ સાથે તે લીગની સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે.

**બાબર આઝમથી પણ ડબલ સ્મૃતિની સેલેરી
પાકિસ્તાનના કેપ્ટન અને સ્ટાર ખેલાડી બાબર આઝમ દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. પાકિસ્તાન સુપર લીગમાં તે પેશાવર જાલ્મી તરફથી રમી રહ્યો છે. બાબરને દર સીઝનમાં 1.50 લાખ ડોલર મળે છે. પાકિસ્તાની રૂપિયાના હિસાબે આ રકમ 3.60 કરોડને પાર છે પણ ભારતીય રૂપિયાના હિસાબે આ રકમ 1.50 કરોડથી પણ ઓછી છે.
ત્યાંજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાનાને વુમન્સ પ્રીમિયર લીગમાં 3.40 કરોડ રૂપિયા એક સીઝનના મળી રહ્યા છે. આ લીગમાં 7 ખેલાડીઓ એવી છે જેમને 2 કરોડ કે તેથી વધુ રૂપિયા મળ્યા છે. આમાંથી ત્રણ ખેલાડીઓને 3 કરોડ રૂપિયાથી વધારે મળ્યા છે. આ લીગમાં દરેક ટીમનો બજેટ 12 કરોડ રૂપિયા હતો.

**નટેલ સ્કીવર બની મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોંઘી ખેલાડી
ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાનાનું નામ જયારે હરાજી માટે આવ્યું ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ હતી. છેલ્લે આરસીબીએ તેને 3.40 કરોડની બોલી લગાવી પોતાની ટીમમાં સામેલ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સએ 1.80 કરોડમાં ખરીદી હતી તો પણ હરમન મુંબઈ ટીમની સૌથી મોંઘી ખેલાડી બની શકી ન હતી કેમ કે મુંબઈએ ઈંગ્લેંડની ખેલાડી નટેલ સ્કીવરને 3.20 કરોડમાં ખરીદી હતી.
ભારતીય ખેલાડીઓમાં બીજી સૌથી મોટી બોલી દીપ્તિ શર્મા માટે લાગી હતી, જેણે યુપી વોરીયર્સએ 2.6 કરોડમાં ખરીદી હતી. હાલમાં ભારતને અન્ડર-19 T20 વર્લ્ડ કપ જીતાવનાર શેફાલી વર્માને દિલ્લી કેપિટલ્સએ 2 કરોડ અને જેમિમા રોડ્રિગ્ઝને 2.20 કરોડમાં ખરીદી હતી. પૂજા વસ્ત્રકાર અને ઋચા ઘોષને 1.90 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબીએ ખરીદી પોતાની ટીમમાં સામેલ કરી હતી.