ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામમાં રમાયેલી બીજી T-20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં 0-2ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ખતરનાક બોલિંગ કરી હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં ભૂવનેશ્વર કુમાર અને રોહિત શર્માએ એવા રેકર્ડ બનાવ્યા કે આંતર રાષ્ટ્રીય મેચીસમાં તેમનું કદ ખૂબ વધી ગયું છે.
ભારતે આપેલા 171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માટે જેસન રોય અને જોસ બટલર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોય ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જ્યારે બટલર 4 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ મલાને 19 રનની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. લિયામ લિવિંગસ્ટોને 15 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સેમ કુરન 2 રન અને હેરી બ્રુકે 8 રન બનાવીને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભુવનેશ્વર કુમારે બનાવ્યો આ રેકોર્ડ
ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 15 રન આપીને મહત્વની 3 વિકેટ લીધી હતી. તેણે બંને ઓપનર જેસન રોય અને જોશ બટલરને પેલેવિયન ભેગા કર્યા હતાં. ત્યારબાદ તેણે સેમ કરનની વિકેટ પણ ખેરવી હતી. ભુવીએ પ્રથમ ઓવર મેડન નાંખી હતી. આ સાથે તેણે ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે ટી20 ઈન્ટરનેશલનેલ ઈતિહાસમાં પાવરપ્લેમાં 500 ડોટ બોલ નાંખનારો પ્રથમ બોલર બની ગયો છે. ફટાફટ ક્રિકેટના સમયમાં આ સિધ્ધિ ખૂબ જ મહત્વની લેખાવાય છે.

રોહિત શર્માએ બનાવ્યો આ રેકોર્ડ
કેપ્ટન તરીકે સતત સૌથી વધું મેચ જીતવાનો રેકર્ડ ધરાવતાં રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે પ્રથમ ચોગ્ગો ફટકારતા જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. રોહિત હવે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (PR સ્ટર્લિંગ) એ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગામાં પ્રથમ સ્થાને 325 ચોગ્ગા સાથે પોલ સ્ટર્લિંગ છે. જયારે રોહિત શર્મા: 301 ચોગ્ગા સાથે કોહલીને પછાડી બીજા સ્થાને પહોંચ્યો છે. વિરાટ કોહલીના નામે 298 અને એરોન ફિન્ચના નામે 286 ચોગ્ગા નોંધાયેલા છે.