અંડર વર્લ્ડ માફિયા અને રાજકારણીઓ વચ્ચેની સાંઠગાંઠ હોવાની બાબત વરસોથી ચર્ચાસ્પદ રહી છે. અંડરવર્લ્ડ માફિયાઓ સાથે ધંધાકીય સંબંધોને લઇ ઘણાં રાજકારણીઓ વિવાદમાં સપડાઇ ચૂક્યા છે. હાલ આવા જ એક માફિયા ઈકબાલ મિર્ચી સામે મની લોન્ડરિંગ કેસની તપાસ જોરશોરથી ચાલી રહી છે. આ તાપસના સંદર્ભમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ વિરુદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
NCPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ વિરુદ્ધ ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના વર્લીમાં આવેલા સીજી હાઉસ સ્થિત પટેલની મિલકત પર EDએ કબજો લીધો. EDએ પ્રફુલ પટેલનું મુંબઈ સ્થિત ઘર કબજે કર્યું એ એનસીપી માટે મોટો આંચકો ગણાવાય રહ્યો છે. પ્રફુલ પટેલની અગાઉ પણ બે વખત ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. જે બાદ ઇડીએ આ કાર્યવાહી કરી છે. ED દ્વારા બે વખત તપાસ બાદ પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
EDના કહેવા અનુસાર પટેલની તપાસ દરમિયાન તેમની પ્રોપર્ટી તથા પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનના રેકોર્ડમાં અનિયમિતતા મળી હતી. જેના કારણે પ્રફુલ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈના સીજી હાઉસ સ્થિત એક ઘર પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈકબાલ મિર્ચી સાથેના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે.
EDએ પ્રફુલ પટેલની બે વખત પૂછપરછ કરી હતી. પરંતુ તે તપાસમાં કોઈ સંતોષકારક માહિતી મળી ન હતી. પ્રફુલ પટેલના અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચી સાથેના વ્યવહારની માહિતી બહાર આવી હતી. દીપક સલવાર એર સેક્ટરમાં એવિએશન ડીલમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રફુલ્લ પટેલને 6 જૂને છેતરપિંડીના વ્યવહારો સંદર્ભે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આનાથી અંડરવર્લ્ડ સાથેના જોડાણો સાથેના નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થયો.
વરલીમાં સીજે હાઉસ એક મોટી ઇમારત છે. આ ઈમારત બંધાઈ તે પહેલા ત્યાં એક નાની ઈમારત હતી. ઈમારતનો માલિક ગેંગસ્ટર ઈકબાલ મિર્ચી હતો. આ ઈમારત પ્રફુલ પટેલની કંપની દ્વારા રિડેવલપ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તે મકાનની જમીનના બદલામાં પટેલની કંપનીએ ઈકબાલ મિર્ચી અને તેના સંબંધીઓને જમીન અને પૈસા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં પણ ઉચાપતની આશંકા હતી. EDએ દસ્તાવેજોની તપાસ કરી. ઘણા દિવસોથી તપાસ ચાલી રહી હતી. આખરે આ કેસમાં પ્રફુલ પટેલની બે વખત પૂછપરછ કર્યા બાદ ઈડીએ સીજે હાઉસમાં તેમનું ઘર જપ્ત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, મીડિયા સાથે વાત કરતા પટેલે કહ્યું હતુ કે, હું ઈકબાલ મિર્ચી કેસને લઈને કેટલાક પેપર પર સહી કરવા ઈડી ઓફિસ આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સહયોગી મિર્ચીને સંડોવતા મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ભૂતકાળમાં ED દ્વારા પ્રફુલની અનેકવાર પૂછપરછ કરવામાં આવી છે. EDએ સપ્ટેમ્બર 2019માં મિર્ચીની પત્ની અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.