વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમના વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા પ્રથમ વનડે નહીં રમે.
સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર સ્નાયુ ખેંચાણના કારણે પ્રથમ વનડેમાંથી બહાર થઈ શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે તેની સત્તાવાર જાહેરાત કરી નથી.
ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.
સિનિયર ઓપનર શિખર ધવન ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. જાડેજા જે પ્રકારના ફોર્મમાં બેટ અને બોલ સાથે દોડી રહ્યો છે, તેને ટીમમાંથી બાકાત રાખવાથી શિખર ધવન એન્ડ કંપનીની મુશ્કેલીઓ વધી શકે છે.
રવિન્દ્ર જાડેજા આજે રમશે કે નહીં, તેનો નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે. હાલ બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. જો કે જો જાડેજા મેચમાં ફિટ નહી થાય તો અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને સામેલ કરી શકાય છે.