સુરતના લાજપોર ગામના 67 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા જગદીશ પટેલની હત્યામાં નોર્થ ચાર્લસ્ટન પોલીસે 34 વર્ષીય ડાર્નેલ ડ્વેન બ્રાઉન નામના અશ્વેત યુવકની ધરપકડ કરી છે. ગોળી વાગવાથી જગદીશ પટેલનું ગુરુવારે બપોરે મૃત્યુ થયું હતું. જગદીશભાઈ 2007થી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી હતા.

સુરતના સચિન વિસ્તારના લાજપોર, પોપડાગામના મૂળ વતની અને વર્ષોથી સપરિવાર સાઉથ કેરોલીન સ્થાયી 67 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં હત્યા થઈ છે. આ અંગે વિગતવાર સમાચાર જોઇએ તો, 25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટમાં વાગી હતી. મોટેલનો સ્ટાફ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવ અંગે નોર્થ ચાર્લસ્ટન પોલીસે મોટેલમાં ગોળીબારનો ભોગ બનનાર જગદીશભાઈના પ્રકરણમાં ડાર્નેલ ડ્વેન બ્રાઉન નામના 34 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. રિવર્સ એવન્યુ પરની ચાર્લ્સટન હાઇટ્સ મોટેલમાં તેણે પૈસા બાબતે તકરાર કરી જગદીશભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જગદીશભાઈનો પરિવાર 2007થી અમેરિકામાં સ્થાયી છે અને તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે.સુરતમાં કાંઠા વિસ્તારમાં એક સારા ક્રિકેટર તરીકે જગદીશ પટેલ જાણીતા હતા. તેમણે ક્રિકેટર તરીકે એમટીબી આર્ટ્સ કોલેજનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તા. 26મીની આ ઘટના બાદ અમેરિકામાં વસતાં ભારતીયોમાં ઘેરા પ્રત્યાઘાત બહાર આવ્યા છે.