જમ્મુ-કાશ્મીરમાં ધોળે દિવસે બેંક મેનેજરની હત્યા કરનાર આતંકવાદી માર્યો ગયો છે. શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ આ આતંકીને ઠાર માર્યો હતો. આ અથડામણમાં કુલ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકનું નામ જાન મોહમ્મદ લોન છે.
વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા, તેઓ કુલગામના મોહનપુરામાં બેંક મેનેજરના પદ પર હતા, આતંકવાદીઓએ તેમને બેંકની અંદર ગોળી મારી દીધી હતી. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના વધી રહેલા મામલાઓને જોતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં CJI રમન્નાને કાશ્મીરમાં હિંદુઓના મોત અંગે સંજ્ઞાન લેવાનું કહેવામાં આવ્યું છે.
31 મેના રોજ કુલગામમાં મહિલા શિક્ષિકા રજનીબાલાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે સાંબાની રહેવાસી હતી. કુલગામના ગોપાલપોરામાં તેની હત્યા કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી. ફાયરિંગ બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શિક્ષિકાનું મોત નિપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના બડગામમાં 12 મેના રોજ આતંકવાદીઓએ રેવન્યુ ડિપાર્ટમેન્ટના એક ઓફિસરને ગોળી મારી હતી. ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું. કાશ્મીરી પંડિત રાહુલ લાંબા સમયથી રેવન્યુ વિભાગમાં કામ કરતા હતા.
ભૂતકાળમાં એવી માહિતી મળી હતી કે આ ટાર્ગેટ કિલિંગનું પ્લાનિંગ ગયા વર્ષે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એવા 200 લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમનો જીવ લેવાનો હતો. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની યોજના એક વર્ષ પહેલા PoKના મુઝફ્ફરાબાદમાં કરવામાં આવી હતી. 21 સપ્ટેમ્બર, 2021 ના રોજ, PoKના મુઝફ્ફરાબાદમાં ISI અધિકારીઓ અને વિવિધ આતંકવાદી સંગઠનો વચ્ચે બેઠક થઈ હતી.