કોઇપણ દુકાન, પેઢી કે કંપની માટે ગ્રાહકો ભગવાનની ઓછા હોતા નથી. ગ્રાહકનો સંતોષ એ અમારો નફો એવા લખાણ ગુજરાતની ઘણી દુકાનોમાં લખાયેલા જોવા મળે છે. ગ્રાહકની માહિતી તેમની સુરક્ષા માટે કંપની શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ બ્રિટનના એક લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ, ગ્રાફ ડાયમંડસ કોર્પોરેશને પુરુ પાડ્યું છે. આ કંપનીએ એક રશિયન હેકર્સને બિટકોઈનમાં 7.5 મિલિયન ડોલરની (આશરે 59 કરોડ રૂપિયા) ખંડણી આપી છે. હેકર્સેથી કંપનીને કોઇ નૂકશાન થાય એમ ન હતું, પરંતુ તેણે જે ડેટા હેક કર્યા તેનાથી ગ્રાફ ડાયમંડસના હાઈ-પ્રોફાઈલ ક્લાઈન્ટ્સને નૂકશાન પહોંચે એમ હતું. ગ્રાહકોની ગુપ્તતા જાણવવા, તેમની સુરક્ષાની ચિંતા કરી આ માહતીને લીક થવાથી બચાવવા માટે જ્વેલર્સે હેકર્સને ક્રિપ્ટોકરન્સીમાં 59 કરોડ રૂપિયાની ખંડણી ચૂકવી હતી.
ગલ્ફ દેશોના શાહી પરિવારો વચ્ચે ગ્રાફના ઘરેણા ખૂબ જ લોકપ્રિય છે. યુએઈ, સાઉદી અરબ અને કતાર સહિત અનેક દેશોના શાહી પરિવારોના સભ્યો ગ્રાફમાંથી ઘરેણાની ખરીદી કરે છે. હેકર્સે જ્યારે ગ્રાફના હાઈ પ્રોફાઈલ ક્લાઈન્ટની માહિતી ચોરી ત્યારે તેની સાથે જ આ શાહી પરિવારોના સભ્યોની માહિતી પણ ચોરી થઈ ગઈ હતી. હેકર્સે આ માહિતી લીક ન કરવાના બદલે ગ્રાફ પાસેથી 7.5 મિલિયન ડોલર(આશરે 59 કરોડ રૂપિયા) ની ખંડણી માંગી હતી. ગ્રાફને પોતાના ગ્રાહકોને બચાવવા ખંડણીની રકમ ચૂકવવાની ફરજ પડી હતી. જોકે હવે આ મામલે કાનૂની વિવાદ પણ સામે આવ્યો છે.
ગ્રાફે ખંડણીની રકમ આપવાના કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે લંડનની એક કોર્ટમાં તેની ઈન્સ્યોરન્સ કંપનીની સામે કેસ કર્યો છે. ગ્રાફનું કહેવું છે કે, તેને આ નુકસાનની રકમ કંપનીની ઈન્સ્યોરન્સ પોલીસીની અંતર્ગત મળવી જોઈએ. જો કે ગ્રાફની ઈન્સ્યોરન્સ કંપની-ધ ટ્રાવેલર્સ કંપનીએ તેને બિટકોઈનની ખંડણીની રકમ ચૂકવવાનો ઈનકાર કરી દીધો છે.
સમાચાર અનુસાર આ હેકિંગ સપ્ટેમ્બર 2021માં રશિયાના રેન્સમવેર ગૃપ કોન્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. તેના પછી તરત જ આ ગૃપે સાઉદી અરબ, દુબઈ, શારજાહ, અબૂધાબી અને કતારના શાહી પરિવારોની કેટલીક જાણકારીઓ લીક કરી દીધી હતી. કોન્ટીએ ધમકી આપી હતી કે જો તેને 15 મિલિયનની રકમ નહી આપવામાં આવે તો તે ગ્રાફના ગ્રાહકો સાથે જોડાયેલી તમામ માહિતી લીક કરી દેશે. ત્યારબાદ કોન્ટીએ ગ્રાહકોની વિનંતીને સ્વીકારીને ખંડણીની રકમ અડધી એટલે કે 7.5 મિલિયન ડોલર કરી દીધી હતી. કોન્ટીએ 3 નવેમ્બર 2021ના રોજ બિટકોઈન વોલેટનું એડ્રેસ આપ્યું હતું જેમાં ગ્રાફે 7.5 મિલિયન ડોલરના બિટકોઈન જમા કર્યા હતા.
ગ્રાફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુનેગારોએ અમારા ગ્રાહકોની અંગત ખરીદી સાથે જોડાયેલ માહિતીને જાહેર કરવાની ધમકી આપી હતી. અમે અમારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવા તૈયાર હતા. ગ્રાહકોની જાણકારી લીક થવાના જોખમને ટાળવા માટે, અમે એક તરફી વાટા-ઘાટો કરીને ચુકવણીની રકમ ઉપર સહમત થયા હતા.