ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ટેલર કનૈયાલાલની હત્યાએ દેશભરમાં ભારે ચકચાર મચાવી હતી. આ પ્રકરણણાં કટ્ટરવાદી હત્યારાઓની ધરપકડ બાદ હવે જોરશોરથી તપાસ ચાલી રહી છે. ઘટનાની તપાસ માટે જ્યાં રાજસ્થાન સરકારે એસઆઈટીની રચના કરી છે. તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએની ટીમ પણ આ મામલામાં તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ તરફથી ઘટનાને તે દિવસથી સમજવાનો પ્રયાસ કરી રહી છે, જે દિવસે તેમાં પ્રથમવાર વિવાદ થયો, જે બર્બરતાપૂર્ણ હત્યા સુધી પહોંચી ગયો. આ ઘટનાક્રમમાં સ્થાનિક પોલીસની ભૂમિકા પણ બેજવાબદાર અને શંકાસ્પદ રહી હોવાનું હવે બહાર આવી રહ્યું છે.
નૂપૂર શર્માએ મોહંમદ પયંગબર અંગે કરેલા નિવેદન બાબતે શરુ થયેલા વિવાદમાં કનૈયાલાલે તેણીના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ તેને ધમકી મળવાનો સીલસીલો શરુ થયો હતો. આ મામલામાં મૃતક કન્હૈયાલાલે પોલીસને જે ફરિયાદ આપી હતી, તેમાં એક વ્યક્તિનું નામ મુખ્ય રૂપથી લેવામાં આવ્યું હતું. આ કન્હૈયાલાલનો પાડોશી નિયાઝ છે. જાણવા મળી રહ્યું છે કે નિયાઝે કન્હૈયાલાલના ફોન પર નૂપુર શર્માના સપોર્ટમાં લાગેલા સ્ટેટસની જાણકારી બીજા લોકોને આપી હતી. તેણે નૂપુર શર્માની પોસ્ટને લોકોની વચ્ચે પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ કન્હૈયાલાલની દુકાનમાં બે લોકો આવ્યા અને તેમણે પહેલા બેલેન્સ ન હોવાની વાત કહી કન્હૈયાલાલનો ફોન લીધો અને પછી નૂપુર શર્મા સંબંધિત પોસ્ટ ડિલીટ કરી દીધી. સાથે ફરી આવું ન કરવાની ચેતવણી આપી હતી.
મામલો અહીં શાંત થયો નહીં. ત્યારબાદ સામે આવ્યું કે કન્હૈયાલાલના પાડોશી નિયાઝે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કન્હૈયાલાલની પોલીસે ધરપકડ કરી અને બે દિવસ બાદ કન્હૈયાલાલને જામીન મળ્યા હતા. જામીન બાદ કન્હૈયાલાલને સતત મારી નાખવાની ધમકી મળી રહી હતી. આ સંબંધમાં તેમણે પોલીસને માહિતી આપી પરંતુ પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી નહીં. તો આ મામલામાં પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધુ હતું.
આ વચ્ચે સતત ધમકીઓ મળતી રહી અને કન્હૈયાલાલે સતત છ દિવસ દુકાન બંધ રાખ્યા બાદ સાતમાં દિવસે દુકાન ખોલી હતી. આ દિવસે તેમની હત્યા કરી દેવામાં આવી. પોલીસને આપેલી ફરિયાદમાં પણ કન્હૈયાલાલે કહ્યુ હતુ કે સ્ટેટસ તેમણે લગાવ્યું નહોતું. તેમનો પુત્ર ફોન પર ગેમ રમે છે, જેના કારણે ભૂલથી સ્ટેટસ લાગી ગયું.
લેટેસ્ટ અપડેટ પ્રમાણે આતંકી તાર હોવાની સૂચના મળ્યા બાદ પોલીસે નિયાઝની પણ ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે કન્હૈયાલાલની હત્યા કરનાર આરોપીઓ પાસેથી પ્રાપ્ત સૂચના બાદ પોલીસે નિયાઝને કસ્ટડીમાં લીધો છે. સાથે તેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ શંકાસ્પદ ભૂમિકા ભજવનારા પોલીસકર્મીઓની તપાસ પણ કરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.