નવસારીમાંથી જાણીતા પત્રકાર મીનેશ ટેલર લાપતાં થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ટેલરના લાપતાં થવા પાછળ વસીમ બિલ્લા મર્ડર કેસ તથા તેને લઇ કેટલાક તત્વો દ્વારા કરાતી બદનામી કારણભૂત હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. મીનેશ ટેલર ગુમ થયા એ પહેલા તેમણે ફેસબુક લાઇવ કરી પોતાની મનોવ્યથા પણ ઠાલવી હતી.
સવારે દસેક વાગ્યાની આસપાસ કરાયેલા ફેસબુક લાઇમાં મીનેશ ટેલરને કહેતાં સાંભળવા મળે છે કે સંભવ છે કે આ તેમનો અંતિમ વીડિયો હોય શકે છે. પોતાના જીવને જોખમ હોવાનું જણાવનાર ટેલર આ સ્થિતિ પાછળ કારણભૂત વ્યક્તિ અને સંજોગો અંગે પણ વાત કરી હતી. તેઓ આ વીડિયોમાં પોતાની વાત રજુ કરતી વેળા ડૂસકે ભરાતાં પણ જોવા મળે છે. ટેલર તેના વીડિયોમાં વખતોવખત વસીમ બિલ્લા મર્ડર કેસનો ઉલ્લેખ કરે છે. આ કેસમાં પંદર કરોડની સમાધાન-ખંડણી, બિલ્લાની પત્ની, ભાભીએ કરેલી પ્રેસ કોન્ફરન્સ, મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ જેવી ઘણી બાબતો પણ તે સ્પષ્ટ કરતો જોવા મળે છે. પોલીસે પોલીસનું કામ કર્યું પરંતુ કેટલાક તત્વો દ્વારા બદમાની કરવામાં આવી રહી છે તેનાથી તે વ્યથિત હોવાનું દર્દ પણ તેમણે વ્યક્ત કર્યું છે. કાંતિ પાનખરિયા નામના વ્યક્તિએ તેમની વિરુધ્ધ ખોટી રીતે લખ્યું અને કોઇ ત્રાહિત વ્યક્તિએ લખાવ્યું હોવાનું કહેતાં ટેલરની આંખમાં આસુ આવી જાય છે.

મીનેશ ટેલર એવું પણ કહે છે કે તે કોઇનાથી ડરના નથી. આ વીડિયોમાં તેણે ખોટી રીતે હેરાન કરતાં, ખોટુ લખનાર અને લખાવનાર થતા ખોટી રીતે પોલીસમાં રજુઆત અને અરજીઓ કરી રંજાડવામાં આવતો હોવાનું દુખ વ્યક્ત કરવા સાથે આવું કરનારાઓના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. સવારે દસ સવાદસની આસપાસ આ ફેસબુક લાઇવ કર્યા બાદ ટેલર લાપતાં થઇ ગયા છે. તેમનો સંપર્ક થઇ શકતો નથી. તેમની જીજે 21 બીજી 0816 નંબરની મોપેચ વિરાવળ સ્મશાન પાસે પૂર્ણા નદીના પુલ પાસેથી બિનવારસી મળી આવતાં મામલો વધું ગંભીર બન્યો છે. ટેલરના પત્નીએ આ મામલે પોલીસનો સંપર્ક સાધ્યો હોવાનું પણ જાણવા મળે છે.