સુરત, તા.16 ફેબ્રૂઆરી
પારકી પરણેતર સાથે શારીરિક સંબંધ રાખવામાં કારખાનેદાર ખરાબ રીતે ફસાયો હતો. કારખાનેદાર સાથે અંગત પળો માણી તેનું પતિ પાસે શૂટિંગ કરાવ્યા બાદ બ્લેકમેઇલીંગનો સિલસિલો શરૂ થયો હતો. રોકડા પાંચ લાખ, દાગીના, મોબાઇલ ફોન વિગેરે પડાવી લેવા ઉપરાંત ફ્લેટ પણ લખાવી લેવાયો હતો. આટલેથી પણ પરિણીતા અને તેનો પતિ અટક્યો નહીં અને વધુ નાણાની માંગણી કરી કારખાનેદારને માર મારતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર સિંગણપોરની સુંદરમ સોસાયટીમાં રહેતા દિનેશ કલ્યાણભાઇ સવાણી એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. ભાવનગરના ઉમરાળા તાલુકાના રહેવાસી દિનેશ સવાણી વર્ષ 2006માં ઉમરાળામાં જ હીરાનું કારખાનું ચલાવતા હતાં. એ કારખાનાની સામે હર્ષા પરેશ જોષી તેના પરિવાર સાથે રહેવા આવી હતી. હર્ષા સાથે પરચિય થતાં તેણી કારખાને આવતી જતી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે મારો પતિ પરેશ ઘણા સમયથી બેકાર છે, તેને નોકરીએ રાખી લો તો મને રાહત થશે. હર્ષાની વાતમાં આવી ગયેલા સવાણીએ પરેશને કામે રાખી લીધો હતો.

નોકરીએ ચઢેલા પરેશ અવાર નવાર સવાણીને તેના ઘરે લઇ જતો હતો. આ દરમિયાન હર્ષા સાથે દિનેશ સવાણીને સંબંધ બંધાયા હતાં. પરેશ હાજર ન હોય ત્યારે હર્ષા કારખાનેદારને ઘરે બોલાવતી અને તેઓ શરીરસુખ માણતાં હતાં. એકબીજાની જરૂરિયાત સંતોષતાં હર્ષા અને સવાણી વચ્ચેના સંબંધ 10 વર્ષ ચાલ્યા હતાં. બંને એકબીજાની મરજી સંમતીથી શરીર સુખ ભોગવતાં રહ્યા હતાં.

2016માં હર્ષાએ દિનેશ સવાણીને મળવા બોલાવ્યો અને પતિ પરેશના મોબાઇલમાં બંનેના અંગત પળોનો વીડિયો બતાવ્યો હતો. પત્ની હર્ષા કારખાનેદાર સાથે સેક્સ કરતી હોય એવો વીડિયો પતિ પરેશે જ ઉતાર્યો હતો. આ વીડિયો બતાવી સવાણીને બ્લેકમેલ કરાયો, ધમકાવવામાં આવ્યો અને વીડિયો ડિલીટ કરવા પાંચ લાખની માંગણી કરાઇ હતી. કારખાનેદારે 5 લાખ ચૂકવ્યા પરંતુ વીડિયો ડિલીટ કરાયો ન હતો. આ દંપતિએ વધુ પૈસા માંગી વીડિયો વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ગામ છોડી દીધું હતું. દિનેશ સવાણી સુરત રહેવા આવી ગયો અને એમ્બ્રોઇડરીનો ધંધો કરવા માંડ્યો હતો.

જો કે હર્ષાએ તેનો પીછો છોડ્યો ન હતો. તે પણ સુરત આવી કતારગામ લલીતા ચોકડી પાસે પાર્વતી નગરમાં રહેવા લાગી હતી. તેણે ફરી સવાણીને કોલ કરી સંપર્ક અને સંબંઘ પુનર્જીવિત કર્યા હતાં. દિનેશ સવાણી ગામનો સબક ભૂલી ફરી હર્ષાની વાતોમાં લપેટાયો હતો. અહીં પણ હર્ષા બોલાવતી અને દિનેશ તેણીના ઘરે જઇ શરીર સુખ ભોગવતો હતો. સુરતમાં દિનેશે હર્ષા સાથે કરેલી કામલીલા ફરી પરેશે તેના મોબાઇલમાં કંડારી હતી. આ સેક્સ વીડિયો લઇ પરેશ ફરીથી દિનેશના કારખાને પહોંચ્યો અને તે ગંદુ કામ કર્યું છે એમ કહી ગાળા ગાળી કરવા સાથે તેને માર પણ માર્યો હતો. પરેશ અને હર્ષાએ આ કારખાનેદારને ધમકાવી તેના પાસે રોકડ ઉપરાંત કપડા અને મોબાઇલની ખરીદી પણ કરાવી હતી.

હર્ષા સાથેની નાજુક પળ દરમિયાન સવાણી તેનો અમરોલીમાં કોસાડ રોડ પર જીવનદીપ એપાર્ટમેન્ટમાં ફ્લેટ હોવાનું જણાવ્યું હોય તેણીએ આ ફ્લેટ પણ લખાવી લીધો હતો. શરીર સોંપી લાખોની માલમતા પડાવી લેવા છતાં હર્ષાને સંતોષ થયો ન હતો. તેના પતિ પરેશ, પૂત્ર સોહમ અને ઓળખીતા પિન્ટું સાથે તેણી દિનેશ સવાણીના ઘરે પહોંચી ઝઘડો કર્યો હતો. આ ત્રણ જણાએ સવાણીને માર પણ માર્યો હતો. આ ફજેતા બાદ પણ સવાણીને ધમકાવી પૈસા માંગવામાં આવતા હોય આખરે તેણે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી.