ઉદયપુરમાં ધર્મ ઝનૂનીઓ દ્વારા દરજી કન્હૈયાલાલની હત્યા કરવા સાથે તેને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની બાબતે દેશભરમાં રોષ ફેલાયો છે. આ મામલે ભાજપ સતત પ્રદર્શન કરી રહ્યું છે. કનૈયાલાલ મામલે પોલીસે દાખવેલી બેદરકારીએ સરકારની નિતિરીતિનો ભાગ હોવાનું જણાવી તેને ઘેરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. ખૂબ જ ક્રૂરતાંથી કરાયેલી હત્યા અને જધન્ય કૃત્ય અંગે ગર્વ લેવાની કટ્ટરવાદી માનસિકતાં સામે ચોમેર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સમયનો તકાજો પારખી રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કનૈયાલાલના પરિવજનોની મૂલકાત લઇ શાંત્વના પાઠવી હતી. જવાબદારો સામે ઝડપી અને કડક કાર્યવાહીનું આશ્વાસન લાથે મદદની ઘોષણા પણ કરી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. અશોક ગેહલોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કર્યું – ઉદયપુરની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો. જે રીતે હત્યા કરવામાં આવી છે તે જઘન્ય ગુનો છે. અમે ઝડપભેર કાર્યવાહી કરીને બંનેને પકડી લીધા છે. તેમણે કહ્યું કે આ મામલો SOG ATSને આપવામાં આવ્યો હતો, ત્યારબાદ રાતોરાત જાણવા મળ્યું કે આ મામલો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંબંધિત છે. તેનો અર્થ એ છે કે તે આતંકવાદ સાથે જોડાયેલી ઘટના છે.

સીએમ ગેહલોતે આ મામલામાં ધાર્મિક ઘટનાને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે આ બે ધર્મો વચ્ચેની ઘટના નથી. આરોપીઓ વિરુદ્ધ UAPA કલમો મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગઈકાલે જ્યારે મેં તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી ત્યારે તેઓએ એક અવાજે આના વખાણ કર્યા.
તપાસમાં અનેક ખુલાસા થયા છે
ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા કરનાર મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ વિશે મોટો ખુલાસો થયો છે. આ બંને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા. મોહમ્મદ રિયાઝ અને ગૌસે પણ પાકિસ્તાનના કરાચીમાં આતંકી તાલીમ લીધી હતી. તે દરમિયાન તે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન દાવત-એ-ઈસ્લામના સંપર્કમાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા રિયાઝના લગ્ન પણ કરવામાં આવ્યા હતા.