ભારે સતત વરસી રહેલા વરસાદે નવસારી અને વલસાડ જિલ્લામા ભારે ખાનાખરાબી સર્જી છે. લોકોને જાન-માલનું ભારે નૂકશાન પહોંચ્યું છે. ચોમેર પાણી ફરી વળતાં રોડ રસ્તાઓ ધોવાઇ ગયા છે, ત્યારે ગણદેવીના આંતલિયા-ઊંડાચને જોડતો પુલ બેસી જવાની ઘટના બની છે. કાવેરી નદી પર બનેલા બ્રિજનો ઊંડાચ તરફનો સ્પાન બેસી ગયો છે. પુલ બેસી જતા પુલને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. અંદાજે 8 વર્ષ અગાઉ કાવેરી નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. ત્યારે માત્ર 8 વર્ષમાં જ કેવી રીતે પુલ બેસી ગયો તે ચર્ચાનો અને તપાસનો વિષય છે.

કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા પાણી 30 ફુટ લેવલ સુધી પાણી વહયા હતા. આ વચ્ચે ગણદેવીના આંતલિયા-ઊંડાચને જોડતાં પુલના એક પીલરને નૂકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. એક પીલક બેસી જતા પુલ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. જેના કારણે આંતલિયાથી બલવાડાના લોકોની હાલાકી વધી છે. સ્થાનિક રહેવાસીઓ આ સ્થિતિને અધિકારીઓનાં ભ્રષ્ટચારનું પરિણામ ગણાવી રહ્યા છે. બ્રિજ એક તરફ નમી પડ્યો હોય એવું દૂરથી પણ દેખાય છે. આ વાત ફેલાતાં ઘણાં લોકો પુલ જોવા ત્યાં એકઠાં થવા માંડ્યા હતાં.

આ બ્રિજ નેશનલ હાઈવેને જોડતો બ્રિજ છે, ત્યારે તેનાથી હાઈવે સાથેનો સંપર્ક તૂટ્યો છે. સ્થાનિકે કહ્યુ, આ બ્રિજ થકી લગભગ 4 થી 5 ગામનો લોકો હાઈવે તરફ જાય છે. હાલ બ્રિજ બંધ થવાથી તેના બંને છેડે પોલીસની ટીમ ગોઠવી દેવાઈ છે. હાલ આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આ બ્રિજ વિશે કહ્યુ કે, હાલ નવસારીમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ છે. બ્રિજ ડેમેજ થયો છે તેની સૂચના અમારી પાસે આવી છે. અમે તેની તપાસ કરીશું. હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. તપાસ બાદ અમે તેની માહિતી આપીશું કે તે કેટલા વર્ષ જૂનો છે.