સુરતઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હવે ગુજરાત પ્રવાસમાં વધારો કર્યો છે. ત્યારે આજે તેમણે સુરતમાં પત્રકાર પરિષદ યોજી અનેક જાહેરાત કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, 27 વર્ષથી શાસન કરનારા લોકોમાં અહંકાર છે. આ સરકાર પાસે કોઈ નવી નીતિ જ નથી. સાથે જ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા મોંઘવારીની છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘હમણાંથી ઘણી વાર હું ગુજરાત આવ્યો છું. લોકો મને કહેતા હતા કે ગુજરાતને બચાવી લો. ગુજરાતમાં લોકો ખૂબ ડરમાં છે. હવે લોકો ગુજરાતમાં બદલાવ ઇચ્છે છે. ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ગુજરાતમાં વીજળી ખૂબ મોંઘી થઇ ગઇ છે. પંજાબમાં સરકારે 3 મહિનામાં વીજળી ફ્રી કરી દીધી આથી હવે ગુજરાતના લોકો પણ ફ્રી વીજળી ઇચ્છે છે.’
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વીજળી મોંઘી થઈ રહી છે. એટલે લોકો ઈચ્છે છે કે, ગુજરાતમાં વીજળી મફળ મળે. એટલે અમે ગેરન્ટી આપી રહ્યા છીએ કે, દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બનશે તો અમે વીજળી મફત આપીશું. મફત વીજળી અને શંકા અને સવાલ કરનારાઓને કેજરીવાલે કહ્યું હતું કે આપ સિર્ફ આમ ખાઇએ, ગુટલિયા મત ગીનીએ. યે ઐસા જાદૂ હૈ જો સિર્ફ મૂઝે હી આતા હૈ. મફત વીજળી આપવી એ વાયદો નથી, ગેરન્ટી છે. જો ગેરન્ટી પૂર્ણ ન થાય તો ત્યારબાદ અમને વોટ ન આપતા. કેજરીવાલે જણાવ્યું હતું કે, જે કામ દિલ્હી અને પંજાબમાં કર્યું છે. તે જ ગુજરાતમાં પણ કરીશું. અહીં 300 યુનિટ સુધીની વીજળી મફતમાં આપીશું અને એ પણ જીતના માત્ર 3 મહિનાની અંદર જ. દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે. જો કોઈ અન્ય નેતા મફત વીજળી આપવાની વાત કહે તો વિશ્વાસ ન કરતા.
ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP નેતા કેજરીવાલે વીજ ગેરંટીના 3 મોટા વાયદા આપતા કહ્યું કે, જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો 3 મહિનામાં અમે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે, ગુજરાતનાં તમામ ગામડાઓ અને શહેરોમાં પાવરકટ વગર 24 કલાક વીજળી મળી રહેશે. સાથે 31 ડિસેમ્બર 2021 સુધીના બધા જૂના ઘરેલુ વીજ બિલ માફ કરી દેવાશે.’ કેજરીવાલે કહ્યું ‘મોટા ભાગના વાંધાજનક બીલો ખોટા છે. બીલ માફ કરવાથી સરકાર પર કોઇ બોજ નહીં પડે. ખોટા બીલના કારણે જે વીજ કનેક્શન કપાયા છે તે ચાલુ થઇ જશે.’ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મીટર ચાર્જ પણ ઝીરો હશે.
આ સિવાય અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘અમે ગુજરાતના પ્રશ્નો ઉઠાવતા રહીશું. ગુજરાતમાં ભારે બહુમતી સાથે AAP સરકાર બનાવશે. ખેડૂતોના વીજ બિલ બાબતે અલગથી ચર્ચા અને જાહેરાત કરાશે. ખાનગી કંપની હોય તો ચિંતા ન કરો બિલ ઝીરો આવશે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ ચાલુ રહેશે. તેમજ દારૂબંધીનો વધુ કડક અમલ કરાશે.’ કેજરીવાલે ઉમેર્યું હતું કે, ગુજરાતના લોકો હવે બતાવી દો કે મતદારોની તાકાત શું હોય છે. ભાજપ હવે મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહી છે.